Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હાલ 8મા ધોરણમા અભ્યાસ કરી રહ્યા છે તેમને શિષ્યવૃતિ આપવા માટે ‘મુખ્યમંત્રી જ્ઞાનસાધના શિષ્યવૃતિ’ નામની યોજના જાહેર કરવામાં આવી છે, પરંતુ આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાંથી માત્ર 25,000 વિદ્યાર્થીઓને જ આ શિષ્યવૃતિ આપવાની છે. રાજ્યમાં 33 જિલ્લાઓ છે. એટલે સરેરાશ ગણો તો દરેક જિલ્લામાં વધુમાં વધુ 757 વિદ્યાર્થીઓને જ આ શિષ્યવૃતિ મળી શકે.
જામનગર જિલ્લાના આંકડા જૂઓ તો, સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં જિલ્લાના કુલ 7,996 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પૈકી સરેરાશ 757 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ધારો કે શિષ્યવૃતિ મળે તો તેનો અર્થ એ થઈ શકે કે, સરકારી શાળાઓના આ હજારો વિદ્યાર્થીઓ પૈકી માત્ર 9 ટકા જેટલાં વિદ્યાર્થીઓને જ આ સ્કૉલરશિપ મળી શકે.

આ માટેની મેરીટયાદી બહાર પડી ચૂકી છે. જામનગર શહેર અને જિલ્લાની કુલ 665 સરકારી શાળાઓના કુલ 7,996 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર 1,027 વિદ્યાર્થીઓનો આ યાદીમાં સમાવેશ થયો છે. એટલે કે, આટલાં વિદ્યાર્થીઓ જ હાલ સ્કૉલરશિપ મેળવવાપાત્ર બની શક્યા છે.
જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર ધનસુખ ભેંસદડિયાએ આ બાબતે આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, જે 1,027 વિદ્યાર્થીઓ હાલ મેરીટયાદીમાં જાહેર થયા છે તે તમામ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 સુધી સળંગ સરકારી શાળામાં અભ્યાસ કરેલા હશે તેમનો જ અંતિમ મેરીટમાં સમાવેશ થશે. આ ઉપરાંત જેમણે આ પરીક્ષા આપી હોય પરંતુ RTE હેઠળ અભ્યાસ કરતાં હોય તે વિદ્યાર્થીઓની પણ મેરીટયાદીમાંથી બાદબાકી થઈ જશે. તેનો અર્થ એમ થઈ શકે કે, હાલ જે મેરીટયાદી બની છે તે પૈકી ઘણાં વિદ્યાર્થીઓ બાદ થઈ જશે.

જામનગર જિલ્લાની સરેરાશ જોઈએ તો, જિલ્લાનું સરકારી શિક્ષણ અતિ કંગાળ સાબિત થયું છે. સરેરાશ એક શાળામાંથી દોઢ ટકા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા પાસ કરી શક્યા છે. તો શું બાકીના વિદ્યાર્થીઓ ભણવામાં ઠોઠ છે ?! આ વિદ્યાર્થીઓને ભણાવવા પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓની ઈમારતો, નિભાવ જાળવણી, સંચાલન અને હજારો શિક્ષકોનો પગાર વગેરે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ‘તેજસ્વી’ બનાવી શકાયા ન હોય તો તેનો અર્થ એ થઈ શકે કે, સરકાર આ શિક્ષણ પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેનું વળતર શું ?! સરકારી શિક્ષણ આટલું પછાત- કોના પાપે ? એ પ્રશ્નનો જવાબ ખુદ સરકારે, રાજ્યના શિક્ષણ વિભાગે શોધવો જોઈએ. એક જિલ્લાની 665 સરકારી શાળાઓમાંથી માત્ર 1,027 જ વિદ્યાર્થીઓ ‘પાસ’ થાય, એ શું દર્શાવે છે ?! શિક્ષણ આટલું કંગાળ ?!
