Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં લાખો લોકો જે હજારો પ્રકારની ખાદ્ય ચીજો આરોગે છે અને સેંકડો પ્રકારના પીણાં આંતરડામાં ઠાલવે છે, તે તમામ ચીજો કવોલિટીની દ્રષ્ટિએ યોગ્ય છે કે કેમ તેની ચકાસણીઓ કોર્પોરેશનની ફૂડ શાખાએ કરવાની હોય છે, જે સંબંધે એક RTI અરજી થતાં ગાંધીનગરથી આદેશ છૂટ્યો છે કે, જામનગર મહાનગરપાલિકાએ અગાઉના વર્ષોની આ કામગીરીઓ અને હવે પછીની તમામ કામગીરીઓ, લોકોની જાણ માટે સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. સરકારના આ આદેશને પરિણામે કોર્પોરેશનમાં ઉપરથી નીચે સુધી સૌ સંબંધિતોમાં હડીયાપટ્ટી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે, ગત્ તા.27-05-2024ના રોજ જામનગર મહાનગરપાલિકામાં કલ્પેશ આશાણી નામના જામનગરના એક અરજદારે એક RTI અરજી દાખલ કરી. આ અરજીમાં અરજદારે જણાવ્યું કે, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય ચીજોના જે નમૂનાઓ લીધાં હોય તેના રિપોર્ટ સહિતની કાર્યવાહીઓ વગેરેની વિગતો RTI નિયમો મુજબ જાહેર કરવામાં આવે.

આ RTI અરજીમાં કોર્પોરેશનના જાહેર માહિતી અધિકારી (મેડિકલ ઓફિસર) અને અપીલ સતાધિકારી (નાયબ કમિશનર)ને પ્રતિવિવાદી પક્ષકાર તરીકે જોડી, અરજદાર વિવાદી તરીકે કોર્પોરેશન સમક્ષ પેશ થયા. પરંતુ જામનગર લેવલે આ મામલો સૂલટી શક્યો નહીં, આથી આખો મામલો પાટનગર ગાંધીનગરમાં માહિતી આયોગ સુધી પહોંચ્યો. જ્યાં ગત્ 8મી મે ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી.
આ સુનાવણીમાં અરજદાર ઉપરાંત જામનગર મહાનગરપાલિકા વતી એક ફૂડ સેફટી ઓફિસર અને પ્રથમ અપીલ અધિકારી(નાયબ કમિશનર)ના પ્રતિનિધિ તરીકે કોર્પોરેશનના એક ટેક્સ ઓફિસર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યા. માહિતી આયોગ સમક્ષ સુનાવણી થઈ અને બાદમાં આયોગે મહાનગરપાલિકાને આ બાબતે હુકમ કર્યો.

ગાંધીનગરથી થયેલા આ હુકમમાં કહેવાયુ છે કે, વિવાદી દ્વારા માંગવામાં આવેલી વિગતો જાહેર હિતની અને જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી છે. કોર્પોરેશને લીધેલાં ખાદ્ય ચીજોના નમૂનાઓ પૈકી જે નમૂનાઓ પરીક્ષણમાં યોગ્ય જણાયેલ ન હોય તે નમૂનાઓ જયાંથી લેવામાં આવ્યા હોય તે ધંધાકીય એકમોના નામો, તારીખ, લેબોરેટરી રિપોર્ટ, નમૂનાઓની વિગતો તથા નિયત માપદંડમાં રહેલી ખામીઓ અને તે પરત્વે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીઓની ટૂંકી વિગતો દર્શાવતી એકસેલશીટ પ્રો એક્ટિવ ડિસ્કલોઝરના ભાગરૂપે કોર્પોરેશનની વેબસાઈટ પર દર્શાવવા સંબંધે કોર્પોરેશને માહિતી આયોગ સમક્ષ સંમતિ આપી છે.
આથી આ સંમતિ બાદ, આયોગે હુકમમાં કહ્યું: વર્ષ 2018-19 થી શરૂ કરીને અત્યાર સુધીના દરેક વર્ષની આ તમામ વિગતો 20 દિવસની અંદર કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર કોર્પોરેશન ખુદ જાહેર કરે. જેના વેબપેજની લિંક અરજદારને તથા આયોગને મોકલવામાં આવે. અને હવે પછી દર મહિને આ તમામ વિગતો કોર્પોરેશને ખુદે વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવાની રહેશે. ત્યારબાદ કોઇ વિશેષ વિગતની જરૂરિયાત ઉભી થાય તો અરજદાર નવી RTI અરજી કરી શકશે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોનીએ આ હુકમ કર્યો છે. જેને કારણે કોર્પોરેશનમાં ઉપરથી નીચે સુધી સૌ સંબંધિતોમાં દોડધામ શરૂ થયાનું જાણવા મળે છે.
