Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ગુનાઓ પર તંત્રની સતત નજર છે. તાજેતરમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અપલોડ કરવાની કુલ 19 ફરિયાદ દાખલ થઈ, જેમાં જામનગરના કારખાનેદારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, રાજ્યમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તાજેતરમાં 24,000 એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. આ કામગીરીઓ પાછલા 16 મહિનામાં એટલે કે, જાન્યુઆરી-2024 થી એપ્રિલ-2025 દરમિયાન થઈ છે.
જે પૈકી 50 ટકા જેટલાં એટલે કે, 12,000 જેટલાં એકાઉન્ટ્સ ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પરના છે. આ ઉપરાંત બંધ કરવામાં આવેલા એકાઉન્ટ્સ પૈકી 35 ટકા એકાઉન્ટ FB પરના છે અને બાકીના એકાઉન્ટ ઓનલાઈન શોપિંગ વગેરે સાથે સંકળાયેલા કોમર્શિયલ એકાઉન્ટ છે. સરકારે જે 24,000 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા તે પૈકી 6,914 એકાઉન્ટ્સ કાયમ માટે દૂર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર છેતરપિંડીઓ ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. આ તમામ વિગતો નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ પ્રકારના ગુનાઓ પૈકી જે મામલા આંતરરાજ્ય હોય છે તે CID ક્રાઈમને સોંપવામાં આવે છે. જિલ્લાઓની સાયબર ક્રાઈમ બ્રાંચને ‘લોકલ’ કેસ સોંપવામાં આવે છે.

ખાસ કરીને શેરબજાર સહિતની નાણાંકીય બાબતોમાં ઉંચા વળતરની લાલચ આપીને અનેક કાંડ આચરવામાં આવે છે. અને બધું સગેવગે થઈ જાય પછી આવા મામલાઓમાં FIR દાખલ થતી હોય છે. જેને કારણે અસંખ્ય આરોપીઓ સુધી તંત્ર પહોંચી શકતું નથી. ઉપરોકત 16 મહિનાઓ દરમિયાન સાયબર ક્રાઈમ વિભાગે રાજ્યમાં 23 માનવ જિંદગીઓ બચાવી લીધી હોવાનો પણ દાવો કર્યો છે. આ પ્રકારના એકાઉન્ટ્સ ધારકોએ હતાશ થઈ આત્મહત્યા કરવાની દિશામાં આગળ વધવાનો પ્રયાસ કર્યો હોય અને તંત્ર દ્વારા તેમને બચાવી લેવાયા હોય તેની વિગતો આ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
