Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં વેરાઓ બાબતે કોર્પોરેશન અને કારખાનેદારો વચ્ચે બાર બાર વર્ષથી બબાલ ચાલે છે, જેનો હજુ સુધી નિવેડો આવ્યો નથી. જો કે, હાલમાં એક મામલામાં કારખાનેદારોને હાઈકોર્ટમાં કાનૂની પછડાટ મળી છે અને અન્ય એક મામલો વર્ષોથી સુપ્રિમ કોર્ટમાં પડતર છે. કારખાનેદારો અને કોર્પોરેશન વચ્ચેની આ કાનૂની તકરાર હજુ લંબાશે ?! એ પણ પ્રશ્ન છે.

મહાનગરપાલિકાએ દરેડ સહિતના ઉદ્યોગનગરોને વર્ષ 2013-18 દરમિયાનના વેરાઓ અને ચાર્જીસ કોર્પોરેશનમાં જમા કરાવવા બાબતે જેતે સમયે કહેલું એ મામલો લાંબા સમયથી સુપ્રિમ કોર્ટમાં પડતર છે. ત્યારબાદ, વર્ષ 2016-17 થી દર વર્ષે કોર્પોરેશને કારખાનેદારોને વેરાઓના બિલોની બજવણી કારખાનેદારોને કરી છે. પરંતુ આ બિલોને પણ કેટલાંક કારખાનેદારો એ હાઈકોર્ટમાં પડકાર આપેલો. તેમાં જો કે, ચૂકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો છે. પરંતુ હજુ આ મામલો લાંબો ખેંચાઈ શકે છે.

કારખાનેદારો સંયુકત રીતે કોર્પોરેશનમાં વેરાઓ પેટે રૂ. 12 કરોડ જેવી રકમ જમા કરાવવાને બદલે, ધારો કે હાઇકોર્ટમાં કોર્પોરેશનને ફરીથી પડકાર આપે અથવા મામલાને ધારો કે સુપ્રિમ કોર્ટમાં લઈ જાય તો આ વર્ષ 2018થી 2023 સુધીના વેરાઓના બિલોની બાકી રોકાતી રકમનો મામલો ફરી વિલંબમાં પડી શકે છે. આ બધી બાબતોની આગામી સમયમાં ખબર પડી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં કારખાનેદારો નિયમિત રીતે વેરાઓ ચૂકવી રહ્યા છે. અમુક કારખાનેદારો કોર્પોરેશન સામે કાનૂની તકરાર લડી રહ્યા છે. જેને કારણે કોર્પોરેશનની તિજોરી આ રકમથી વંચિત રહી છે.
