Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારે રાજ્યમાં સચિવ કક્ષાના અધિકારીઓથી માંડીને જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધીના તમામ અધિકારીઓ માટે નાસ્તો અને ભોજનના ખર્ચની મર્યાદામાં વધારો જાહેર કર્યો છે. સરકારના સચિવ કક્ષાના અધિકારીઓ માટે નાસ્તાના વ્યક્તિગત ખર્ચની મર્યાદા અત્યાર સુધી રૂ. 20 હતી. આ મર્યાદા વધારીને રૂ. 50 કરવામાં આવી છે. એ જ રીતે, બપોરના અથવા રાતના ભોજન માટેની મર્યાદા રૂ. 100 હતી તે વધારીને રૂ. 250 કરવામાં આવી છે.!!! આમ એકંદરે આ મર્યાદા 150 ટકા વધી છે. વાર્ષિક ખર્ચ મર્યાદા રૂ. 10,000 હતી તે વધારીને રૂ. 25,000 કરવામાં આવી.
નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ માટે નાસ્તો ખર્ચ મર્યાદા રૂ. 15 થી વધારી રૂ. 35 કરવામાં આવી. તેમને ભોજન ખર્ચની સતાઓ આપવામાં આવી નથી. એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીઓ માટે આતિથ્ય ખર્ચ મર્યાદા રૂ. 5,000 હતી તે વધારી રૂ. 12,500 કરવામાં આવી છે.

કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએ નાસ્તા ખર્ચની મર્યાદા રૂ. 15 હતી તે વધારી રૂ. 35 કરવામાં આવી. બપોર કે રાત્રિભોજન માટેની મર્યાદા રૂ. 75 હતી તે વધારી રૂ. 180 કરવામાં આવી છે. જિલ્લા અથવા ખાતાના વડા માટે આ મર્યાદા રૂ. 10 હતી તે વધારી રૂ. 25 કરવામાં આવી છે. મહેમાનગતિ ખર્ચ મર્યાદા રૂ. 3,000 હતી તે વધારી રૂ. 7,500 કરવામાં આવી છે. આ ફેરફાર 01-04-2025 થી લાગુ કરવામાં આવ્યો, જેની જાહેરાત હવે થઈ છે. જે કિસ્સામાં ખર્ચ મર્યાદા કરતાં 10 ટકા કે તેથી વધુ થયેલો હશે તે કિસ્સામાં અધિકારીવાઈઝ નોંધ કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 10-20 રૂપિયામાં નાસ્તો મળે અને 75 રૂપિયામાં જમવાનું મળે- એવા ખ્યાલોમાં સરકાર અત્યાર સુધી રાચતી રહી ! ગુજરાત સરકારને ગુજરાતમાં કેટલી મોંઘવારી છે- એ ખબર નહીં હોય ??! (file image)
