Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં એક સમસ્યા ઉભી થઈ છે, આ ટેક્નિકલ લોચો જો કે સરકારના ધ્યાન પર આવી ગયો છે અને તેનો ઉકેલ શોધવાની, આ ભૂલ રેકટિફાય કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે. જામનગર સહિત રાજ્યભરમાં ઘણાં વાહનચાલકોને ‘ભૂલ’ થી મેમો અપાઈ ગયા છે ! હવે, વિભાગ આ ‘ભૂલ’ સૂલઝાવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.
રાજ્યભરમાં સ્ટેટ હાઈ-વે અને નેશનલ હાઈ-વે પર જેટલાં પણ ટોલનાકા છે તે તમામ ટોલનાકા પર સરકારે એક ‘આંખ’ ગોઠવી છે. આ આંખથી સરકાર તમારાં વાહનની વિગતો જૂએ છે. આ સમગ્ર પ્રોજેક્ટને e-detection કહે છે. ગત્ એપ્રિલની પહેલી તારીખથી આ ‘આંખ’ ગોઠવી દેવામાં આવી છે. આમ તો આ સિસ્ટમ કેન્દ્ર સરકારે અમલમાં મૂકી છે. આ સિસ્ટમ national informatic center એ ડેવલપ કરી છે. આ આંખ રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટે કાર્યરત કરવામાં આવી છે. ટોલનાકા પરથી જે ટ્રાન્સપોર્ટ વાહનો પસાર થતાં હોય તે વાહનોને આ આંખ સ્કેન કરી લ્યે. અને, જો એ વાહનનું PUC, વીમાકવર, ફિટનેસ સર્ટિફિકેટ કે પરમિટની તારીખ જતી રહી હોય અને છતાં વાહન રોડ પર દોડી રહ્યું હોય તો, તે વાહનમાલિકને ‘પરિવહન પોર્ટલ’ મારફતે ઈ-ચલણ પહોંચી જાય.

અહીં સુધી બધું બરાબર છે. પરંતુ આ દરમિયાન રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગને એવું ધ્યાન પર આવ્યું કે, ગત્ તા. 15 થી 17 એપ્રિલ દરમિયાન એવા ટ્રાન્સપોર્ટ વાહનોને પણ મેમો અપાઈ ગયા, જે વાહનોના વીમા સર્ટિફિકેટ યોગ્ય હતાં. આ પ્રકારના 9,741 મેમો અપાઈ ગયા. પછી સરકારને ધ્યાન પર આવ્યું કે, આ તો ટેક્નિકલ લોચો.
આથી સરકારે જામનગર સહિત સમગ્ર રાજ્યની RTO કચેરીઓને જાણ કરી કે, તમારી કચેરી હસ્તકના આ પ્રકારના જે ‘મેમો’ હોય તે તમામ વાહનોની વીમા ડીટેલનો ખરો રેકોર્ડ હેડઓફિસને મોકલી આપો અને આ વાહનોને અપાયેલા મેમો ‘ભૂલથી અપાયેલા મેમો’ છે, એવી એક યાદી તૈયાર કરો. એટલે હાલ જામનગર સહિતની રાજ્યભરની RTO કચેરીઓમાં આ કામગીરીઓ ચાલી રહી હોવાની વાતને જામનગર RTO એ સમર્થન આપ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગનો આ પ્રથમ ટેક્નિકલ લોચો નથી ! ગત્ વર્ષે 2024માં પણ આ વિભાગમાં એક અન્ય લોચો થયો હતો. વિભાગે રજિસ્ટ્રેશન ફી વસૂલવા બાબતે જે ભૂલ કરેલી તેને કારણે આ ભૂલ સુધારવા, વર્ષ 2021-22 દરમિયાન ખરીદવામાં આવેલા વાહનો પૈકી 10.5 લાખ જેટલાં વાહનો રાતોરાત બ્લેકલિસ્ટેડ જાહેર થઈ ગયેલા. પછી જો કે ઉહાપોહ થતાં વિભાગે ત્યારે પણ, આ ટેક્નિકલ લોચો સુધારી લીધો હતો. ટૂંકમાં, આ વિભાગ ભૂલો સુધારી લેવાની બાબતનો ‘અનુભવ’ ધરાવે છે.
