Mysamachar.in-જામનગર:
સામાન્ય લોકોની સમજ એવી હોય છે કે, અદાલતનો ખંડ એકદમ સલામત હોય જ્યાં એક ટાંકણી પણ આઘીપાછી ન થઈ શકે અને ત્યાં CCTV કેમેરા સહિત પૂરતો બંદોબસ્ત પણ હોય છે, જો કે લોકોની આ સમજથી એક અલગ પ્રકારની ઘટના જામનગરની એક અદાલતમાં બની હોવાનું એક પોલીસ ફરિયાદમાં બહાર આવ્યું.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અદાલતના એક સુપ્રિટેન્ડેન્ટ ભાવિન શુકલાએ 8મી મે એ રાત્રે નોંધાવેલી આ ફરિયાદમાં કહેવાયું છે કે, અદાલતના એક ખંડમાંથી એક ‘ચેક’ની ચોરી ગત્ 25મી એપ્રિલના રોજ થઈ. ચોરીનો આ બનાવ બન્યો ત્યારે બપોરના 04-30 કલાકનો સમય હતો અને આ ઘટના 7મી (હાલ 5મી) ચીફ જ્યુડિશિયલ કોર્ટ, લાલબંગલા ખાતે બની હતી.

આ ફરિયાદમાં આરોપીઓ તરીકે 2 શખ્સો શુભમ જેરામ કણઝારિયા અને હાર્દિક દીનેશ ભટ્ટના નામો જાહેર થયા છે. ફરિયાદની ટૂંકી વિગતમાં કહેવાયું છે કે, આ અદાલત ખંડમાં ફોજદારી કેસ 4054/2025ના કેસકાગળો સાથે એક અસલ ચેક નંબર 419114 પણ હતો. આ તમામ સાહિત્ય આરોપીને બેસવાના કઠેરામાં રાખવામાં આવ્યું હતું. આ બનાવના દિવસે બપોરે 04-30 વાગ્યે આ બંને આરોપીઓને આ કઠેરામાં બેસાડવામાં આવ્યા હતાં. આ આરોપીઓએ અદાલતની કોઈ પણ પ્રકારની પરવાનગી વિના આ કેસનું સાહિત્ય(સરકારી રેકર્ડ)તપાસી, તેમાં રહેલો ઉપરોકત નંબરનો ચેક સ્ટેપલરની પિન ઉખેડી ચોરી લીધો, આમ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ બનાવને કારણે અદાલતી વર્તુળોમાં આશ્ચર્યજનક ચર્ચાઓ શરૂ થઈ છે.
