Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા ઘણાં સમયથી પીળી ધાતુની ચમક આગળ ધરીને લાખો કરોડો સોનાધારકો વધારાના ખર્ચને પહોંચી વળવા તથા નવા આયોજનો માટે પુષ્કળ ગોલ્ડલોન મેળવતા હતાં પણ હવે આ ધંધાની ચમકમાં ઓટ આવશે, કેમ કે રિઝર્વ બેંક આ વિષયમાં કડક બની રહેવાનું વલણ ધરાવે છે.
રિઝર્વ બેંક દ્વારા ગોલ્ડલોન સંબંધે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ માટેનો ડ્રાફ્ટ જાહેર થઈ ગયો છે. જેમાં જણાવાયું છે કે, અત્યાર સુધી ગોલ્ડ સામે ગોલ્ડના બજારભાવની 75 ટકા સુધીની રકમ ગોલ્ડલોન તરીકે મળતી હતી. હવે 65 રકમ ગોલ્ડલોન તરીકે મળી શકશે. આ નિયમ આ બિઝનેસને ઘટાડશે.

આ ઉપરાંત ડ્રાફ્ટમાં એમ પણ કહેવાયું છે કે, લોન લેવા માટેના ગોલ્ડની માલિકી પ્રસ્થાપિત કરવાની જોગવાઈને હવે વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. બિલ વિનાના સોના પર ગોલ્ડલોન આપવી અગાઉ કરતાં કઠિન બનશે. જે કિસ્સાઓમાં ધારકો પાસે સોનાનું બિલ નહીં હોય એમણે આ બાબતે સોગંદનામુ આપવાનું રહેશે. જો કે, આ એફિડેવિટની ખરાઈ કરવાની જવાબદારીઓ બેંક, NBFC અને શાહુકારોના માથે નાંખવામાં આવી છે. આ પ્રક્રિયાઓ કેવી રીતે થશે, એ અંગે જો કે કોઈ સ્પષ્ટતાઓ નથી.
જે લોનધારકોએ લોનની પરત ચૂકવણી કરી આપી હોય, તેમને એક સપ્તાહમાં સોનું પરત આપવાનું રહેશે. આમ કરવામાં કસૂર કરનાર લોનદાતાએ રોજના રૂ. 5,000 પેનલ્ટી ભોગવવાની રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગોલ્ડલોન પર બેંકો 8-10 ટકા વ્યાજ વસૂલે છે અને NBFC તથા ખાનગી કંપનીઓ 14-16 ટકા જેટલું વ્યાજ વસૂલતી હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2024-25માં ગોલ્ડલોનમાં 87 ટકાનો તોતિંગ વધારો થયો. રૂ. 1,91,000 કરોડની ગોલ્ડલોન આપવામાં આવી છે. આ સમયગાળામાં ક્રેડિટ કાર્ડ સામે અપાયેલા ધિરાણમાં 11 ટકાનો વધારો નોંધાયો છે.
