Mysamachar.in-જામનગર:
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ વ્યક્તિઓને ટાર્ગેટ કર્યાની આગ સમગ્ર દેશના દિલમાં લાગી અને ભારત સરકારે તેનો બખૂબી બદલો પણ ઓપરેશન સિંદુરથી લીધો પણ દેશમાં મોકડ્રીલ બ્લેકઆઉટ અને સરકારની ગતિવિધિઓ અલગ અલગ મોરચે ચર્ચાઓમાં છે, ત્યારે પોતે ભલે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય પણ સાંપ્રત સંજોગોમાં દેશને રાજ્યને જે સેવાની જરૂર હોય તેમાં માનદસેવા આપવા પોતે તૈયાર હોવાનો મૂળ જામનગરના વતની એવા નિવૃત અધિક કલેકટર જયેશ પટેલે રાજ્યના અધિક મુખ્ય સચિવ, જામનગર અને રાજકોટના કલેકટરને પત્ર લખ્યો છે.

હાલ રાજકોટ ખાતે વસવાટ કરતા અને મૂળ જામનગર જીલ્લાના વતની નિવૃત અધિક કલેકટર જયેશ કે પટેલ એ તેમના પત્રમાં જણાવ્યું છે કે તેવાઓએ રાજ્ય સરકારમાં મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને અધિક કલેકટર તરીકે 29 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી છે અને બાદમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. પણ હાલ સંભવિત યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે કોઇપણ પ્રકારની અપેક્ષા વિના એટલે કે માત્ર ને માત્ર માનદ સેવા આપવા તેવાઓએ તત્પરતા આ પત્રમાં દર્શાવી છે.
મહત્વનું છે કે જામનગર સરહદી જીલ્લો છે અને સૈન્યની ત્રણેય પાંખોનું મથક પણ જામનગર છે, ત્યારે જયેશ કે.પટેલે ભૂતકાળમાં જામનગર અને રાજકોટ એમ બન્ને જિલ્લાઓમાં સાત-સાત વર્ષ સુધી ફરજો બજાવેલ હોય તેવો સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિઓથી સુપેરે વાકેફ છે. ત્યારે સિવિલ ડીફેન્સ કે અન્ય કોઈપણ પ્રકારની કામગીરીમાં જામનગર અથવા રાજકોટ જીલ્લામાં સ્થાનિક વહીવટીતંત્રને તમામ રીતે તેવોં મદદરૂપ થવા તૈયાર હોય અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું ઋણ અદા કરવા ઇચ્છતા હોવાની વાત તેવાઓએ પત્રના અંતમાં કરી છે.
