Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ગુલાબનગર પુલ નજીકના વિસ્તારમાં એક સ્થળે જાહેરમાં અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે અને આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, એવી જાહેરાત ગત્ સપ્તાહમાં જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ મામલાનો હજુ નિકાલ આવ્યો નથી.
આ મામલાની જેતે સમયે જાહેર થયેલી વિગતો એવી હતી કે, આશરે 14 લાખથી વધુની કિંમતનો ઘઉં-ચોખા સહિતનો અનાજનો જથ્થો અને 4 રિક્ષા તથા 1 મોટરસાયકલ મળી કુલ રૂ. 16 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ પૂરવઠા તંત્ર દ્વારા કબજે લેવામાં આવેલો અને અનાજનો આ જથ્થો સરકારી ગોદામમાં રાખવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ 4 રિક્ષાઓના તથા 1 મોટરસાયકલના માલિકો કોણ છે, આ અનાજનો જથ્થો અહીં જાહેર સ્થળ પર શા માટે રાખવામાં આવ્યો હતો, આ જથ્થો કયાંથી અહીં લાવવામાં આવ્યો હતો અને અહીંથી ક્યાં લઈ જવાનો હતો તેમજ કોના કહેવાથી આ સઘળી ‘હેરાફેરી’ ચાલી રહી હતી, વગેરે કોઈ જ પ્રશ્નોના ઉત્તર હજુ સુધી બહાર આવ્યા નથી. અત્યારે તંત્ર દ્વારા માત્ર એક જ જાહેરાત કરવામાં આવી છે કે, આ શંકાસ્પદ જથ્થો ‘સરકારી અનાજ’ છે કે કેમ ? તેની તપાસ માટે અનાજના લેબોરેટરી પરીક્ષણની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.
આજે સવારે આ મામલા સંબંધે Mysamachar.in દ્વારા જિલ્લા પૂરવઠા અધિકારી એસ.ડી.બારડ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે, અનાજના આ જથ્થાના જે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, તે સેમ્પલનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, આ રિપોર્ટ આગામી દિવસોમાં આવશે ત્યારબાદ આ સમગ્ર કેસ રિપોર્ટ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ(કલેક્ટર)ની કોર્ટમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ નિયમ અનુસારની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.