Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલમાં મેનપાવર પૂરો પાડતી ખાનગી એજન્સીઓ અવારનવાર ચર્ચાઓના ચાકડે ચડે છે. થોડાથોડા સમયે અહીં અનેક જાતની બબાલો ચાલતી જ રહે છે ! અચરજની વાત એ પણ છે કે, હોસ્પિટલ તંત્ર કે અન્ય કોઈ સત્તાવાળાઓ કયારેય કોઈ પણ બબાલના કસૂરવારને શોધી કાઢતાં નથી, કસૂરવારો વિરુદ્ધ કયારેય આકરાં પગલાંઓ લેવાતા નથી જેને કારણે બબાલો ચાલતી રહે છે, ઉહાપોહ થતાં રહે છે અને ગોળગોળ વાતો ચાલતી રહે છે જેથી તંત્ર દિવસે દિવસે વધુ ખાડે જતું રહેવાનો બગાડ વધી રહ્યો છે.
જીજી હોસ્પિટલમાં વધુ એક વખત બબાલ થઈ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી કહે છે: આજે મંગળવારે સવારે હોસ્પિટલમાં કન્સ્ટ્રક્શન વિભાગના એક મહિલા કર્મચારીએ SI ઓફિસમાં બોલાચાલી અને મારઝૂડ કરી હતી. બાદમાં સિકયોરિટી કર્મચારીઓ વગેરેએ સ્થિતિને કાબૂમાં લીધી. એમ.જે.સોલંકી નામની એજન્સી હસ્તક આ કામગીરીઓ ચાલી રહી છે ત્યાં બધાંની ફરિયાદ સાંભળવામાં આવે છે, ગેરશિસ્ત બાબતે પગલાંઓ લેવામાં આવે છે, પોલીસને પણ જાણ કરવામાં આવે છે. જ્યારે મુશ્કેલીઓ ઉભી થાય છે ત્યારે સોલ્વ કરવામાં આવે છે, પરિસ્થિતિઓ ગંભીર નથી, મહિલાનું વર્તન યોગ્ય ન હતું, ગુસ્સામાં હતાં જે CCTV ફૂટેજમાં પણ દેખાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ખરેખર તો આ ખાનગી એજન્સીએ હોસ્પિટલમાં કોઈ પણ જાતની બબાલ આ કર્મચારીઓમાં ન થાય તે જોવાનું હોય. તે એજન્સીના બદલે તબીબી અધિક્ષકે પોતાના કામો પડતાં મૂકી આવી બબાલોમાં એજન્સીની તરફેણમાં બોલવું પડે એ પણ વિચિત્ર સ્થિતિઓ લેખાય. એજન્સી પોતાની કામગીરીઓ કરવા સક્ષમ નથી ? એજન્સીના SI સહિતના સુપરવાઈઝર વગેરેને કર્મચારીઓ સાથે ઝઘડા શા માટે થઈ રહ્યા છે ?! ભૂતકાળમાં પણ અનેકવખત આ એજન્સી વિવાદોમાં આવી છે, સાચીખોટી હાજરીના વિવાદો અને હોસ્પિટલ સત્તાવાળાઓએ એજન્સી વિરુદ્ધ પરિપત્ર જાહેર કરવા પડે તેવી સ્થિતિઓ વગેરે અનેકવખત નિર્માણ થતી રહે છે. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાંથી લાખો રૂપિયા કમાતી આ એજન્સી પોતાની કામગીરીઓ શાંતિથી અને સારી રીતે શા માટે નથી કરી શકતી ? આ પ્રકારની બબાલો અને વિવાદોને કારણે હોસ્પિટલનું વાતાવરણ અશાંત અને તંગ બની જતું હોય છે અને દર્દીઓની સુવિધાઓ તથા સારવાર વગેરેમાં અડચણો ઉભી થતી રહે છે, હોસ્પિટલ સત્તાવાળાઓએ બિનજરૂરી કામોમાં દોડાદોડી કરવી પડતી હોય છે. જો કે હોસ્પીટલમાં આ રીતની બબાલ કરવી યોગ્ય ના કહેવાય અને સમગ્ર મામલો તપાસ માંગી લેતો છે અને તપાસ થયા બાદ જ વધુ તથ્યો સામે આવશે જેમાં કોણ સાચું અને કોણ ખોટું તે સામે આવશે.
-જયાબહેન નામની આ મહિલાએ એમ કહ્યું કે…
જીજી હોસ્પિટલની SI ઓફિસમાં જે બબાલ થઈ અને SI વિરુદ્ધ જે મહિલાને ઉકળાટ છે તે જયાબહેન રાઠોડ નામના મહિલાએ કહ્યું કે…મારાં તથા અમારાં પર રોજ અત્યાચાર થઈ રહ્યો છે..ઘણી બધી મહિલાઓ રજૂઆતો કરે છે..ફરિયાદો કરે છે..ડો. દીપક તિવારી ઉપરાંત જિલ્લા પોલીસ વડા સમક્ષ પણ ઘણી વખત રજૂઆતો થઈ છે. અમને એમ કહેવામાં આવે છે કે તમારા સમાજના લોકોને અહીં કામ પર લેવામાં નહીં આવે. એજન્સીના માણસો નશો કરે છે અને ‘મરજી’ મુજબનું વર્તન કરે છે..અમે ઓફિસમાં હાથ જોડીને વિનંતી કરીએ છીએ..અમારો કોઈ વાંક નથી હોતો તો પણ અમને કામ પર લેવામાં આવતાં નથી….
