Mysamachar.in-જામનગર:
ગત્ રવિવારે જામનગર સહિતના સમગ્ર રાજ્યના લાખો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ NEET 2025ની પરીક્ષાઓ આપી. ત્યારબાદ બીજા દિવસે, ગઈકાલે સોમવારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે ગત્ વર્ષના NEET 2024ના કથિત કૌભાંડ સંબંધે કુલ 5 ઈસમો વિરુદ્ધ FIR દાખલ કરી.
આ ફરિયાદની વિગતોમાં બહાર આવ્યું છે કે, ગત્ સમગ્ર વર્ષ દરમ્યાન NEET 2024ના કથિત કૌભાંડની તપાસ ચાલી. કૌભાંડ એવું હતું કે, આ પરીક્ષામાં જે લોકો 650થી વધુ માર્કસ મેળવવા ઈચ્છતા હતાં, તે લોકોનો દલાલોએ સંપર્ક કર્યો હતો. અને, અમુક લોકો પાસેથી તો આરોપીઓએ માર્કસ અપાવવાની લાલચ આપી નાણાં પણ મેળવી લીધાં છે, એવી ફરિયાદ દાખલ થઈ છે.

એમ સામે આવ્યું છે કે, આ કૌભાંડમાં રાજકોટના જેતપુર શહેરના એક ખેડૂત પાસેથી રૂ. 30 લાખ મેળવવામાં આવ્યા છે. રાજકોટ, અમદાવાદ અને સુરતના 5 દલાલોના નામો જાહેર થયા છે. રાજકોટના ધવલ સંઘવી, સુરતના પ્રકાશ તેરૈયા ઉપરાંત અમદાવાદના વિપુલ તેરૈયા અને અપૂર્વ શાહના નામો ફરિયાદમાં છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના મનજિત જૈનનું નામ પણ દલાલ તરીકે જાહેર થયું.
રાજકોટ ક્રાઈમ બ્રાંચે અલગઅલગ ટીમો બનાવી આ કૌભાંડની તપાસ હાથ ધરી હતી એ દરમિયાન, જેતપુરના ખેડૂત તુષાર વેકરિયા પાસેથી આરોપીઓએ માર્કસ અપાવવાની ગેરંટી સાથે રૂ. 30 લાખ મેળવી લીધાં હોવાનું જાહેર થયું છે. આ કૌભાંડની FIR માં પૂર્વ આયોજિત કાવતરાની કલમ પણ લગાવવામાં આવી છે. આ સમગ્ર ષડયંત્રમાં એક આરોપી કર્ણાટકનો હોવાની વિગતો બહાર આવી છે.