Mysamachar.in-રાજકોટ:
ઘાતક અને ગમખ્વાર અકસ્માતોનો સિલસિલો થંભાવી શકાયો નથી, વધુ એક જીવલેણ અકસ્માતમાં ચાર વ્યક્તિઓનો ભોગ લેવાયો છે અને છ પૈકી અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ગમખ્વાર અકસ્માત રાજકોટ જિલ્લાના ધોરાજી-સુપેડી પંથકમાં સર્જાયો છે.
આ ઘાતક અકસ્માતની પ્રાપ્ય વિગતો એવી છે કે, ધોરાજીના સુપેડી ગામ નજીકથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે કોઈ કારણથી પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને કાર ગડથોલાં ખાઈ ગઈ, આ અકસ્માતમાં 4 નો ભોગ લેવાયો. અન્ય 2 ને ઈજાઓ પહોંચતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતનો ભોગ બનેલી આ ઈનોવા કાર ધોરાજીથી સુપેડી જઈ રહી હતી. જેમાં 6 લોકો બેઠાં હતાં. આ કાર ગડથોલું ખાઈ એક ઝાડ સાથે ટકરાઈ જવાથી પડીકું વળી ગઈ. આ અકસ્માતમાં ચાલક અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે. કારમાં બેઠેલાં અન્ય 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતાં કેમ કે કારની ઝાડ સાથેની ટક્કર ખૂબ જ ખોફનાક હતી.

એમ જાણવા મળે છે કે, કારમાં બેઠેલાં લોકો PGVCLના એક કોન્ટ્રાક્ટરના કામ માટે વીડિયોગ્રાફી કરવા માટે જઈ રહ્યા હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. 4 લોકોના કમકમાટીભર્યા મોતની જાણ થતાં આસપાસના સ્થાનિકો રાહત બચાવ માટે દોડી ગયા હતાં અને બાદમાં આ અંગે ધોરાજી પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અને, મૃતકોમાં વલ્લભભાઈ રૂઘાણી, કિશોરભાઈ હીરાણી, આસિફભાઈ અને આફતાબભાઈનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે ઘાયલોના નામ રશ્મિન ગાંધી અને ગૌરાંગ રૂઘાણી છે.