Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાણીપીણીના વિવિધ ધંધાર્થીઓને ત્યાંથી ‘પનીર’ના નમૂનાઓ લીધાં છે અને જીજી હોસ્પિટલનું રસોડું ચેક કરી ત્યાંથી વિવિધ ચીજોના નમૂનાઓ લીધાં છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. ફૂડ શાખાએ શહેરના ખાણીપીણીના ધંધાકીય એકમો પેલેટ વેજ ટ્રેટ, પ્રસાદમ્ રેસ્ટોરન્ટ, હોટેલ કલ્પના, રાજભોગ રેસ્ટોરન્ટ, હોટેલ આસોપાલવ ઈન, રેડ ચીલી પાર્સલ પોઈન્ટ, મદ્રાસ હોટેલ, હોટેલ સેલિબ્રેશન, હોટેલ શ્રી જી, જેઠાલાલ રેસ્ટોરન્ટ તથા આતિથ્ય રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂનાઓ લીધાં છે.
આ ઉપરાંત જીજી હોસ્પિટલના રસોડા વિભાગની મુલાકાત લઈ ત્યાંથી દેશી ચણાનું શાક, કોબી બટેટાનું શાક, મગનું રસવાળું શાક, ભાત, રોટલી, સિંગતેલ (તિલક બ્રાંડ), કાવેરી બ્રાંડ દૂધ, તુવેરદાળ, અમુલનું શુદ્ધ ઘી અને રાજમણિ બ્રાંડના દેશી ગોળના નમૂનાઓ લઈ આ તમામ નમૂનાઓ પરીક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત કુરેશી કસાઈ જમાતખાના નજીકના સ્લોટર હાઉસમાં સ્વચ્છતા જાળવવા તથા વેસ્ટ કે પાણી સીધું નદીમાં ન જાય તે માટે તાકીદ કરવામાં આવી છે. શનિવારે તળાવની પાળે રુદ્ર એપાર્ટમેન્ટના રહેવાસીઓની ફરિયાદના આધાર પર રિદ્ધિ સિદ્ધિ રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવ્યું છે. તેને રસોડામાં જરૂરી સુધારાઓ કરવા તથા ચીમનીની વ્યવસ્થાઓ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે અને આ ફેરફારોની જાણ માલિક દ્વારા ફૂડ શાખાને કરવામાં આવે ત્યારબાદ જ રેસ્ટોરન્ટ ફરી શરૂ કરી શકાય એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ પટેલ કોલોની શેરી નંબર 9 ખાતે ‘છાસવાલા’ ફરી એકવાર હડફેટ ચડી ગયું કેમ કે ત્યાં એકસપાયરી તારીખવાળી ચીજોનું વેચાણ થાય છે એવી એક ફરિયાદ બાદ ફૂડ શાખાએ તપાસ કરી તો જાણમાં આવ્યું કે, ફરિયાદ સાચી છે. આથી છાસવાલાનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે.
