Mysamachar.in-જામનગર:
જામનગરમાં વિવિધ મુખ્ય માર્ગો પર ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી માંડીને ખાનગી બસો અને ડમ્પર સુધીના તોતિંગ વાહનો, દિવસના ટ્રાફિક સમયે પણ માતેલા સાંઢ માફક દોડી રહ્યા છે અને અકસ્માતો સર્જી રહ્યા છે. આમ છતાં અચરજ અને ચિંતાઓની વાત એ છે કે, આ પ્રકારના મોતદૂત સમાન વાહનો પર તંત્રની નિગરાની નથી અને તેથી નિયંત્રણ પણ નથી.
જામનગર શહેરમાં બેડી બંદર રોડ- પંડિત નહેરૂ માર્ગ- સુમેર ક્લબ રોડ- દિગ્જામ સર્કલ રોડ- સમર્પણ સર્કલ રોડ- અને રણજિતસાગર રોડ અને ગુલાબનગર રોડ પર નાનાથી માંડીને તોતિંગ વાહનો રાતદિવસ બેફામ દોડી રહ્યા છે. અનેકવખત અકસ્માતો સર્જાતા રહે છે, અસંખ્ય નગરજનોને ગંભીર ઈજાઓ પહોંચી રહી છે, રાહદારીઓ અને નાના વાહનચાલકોના મોત પણ થઈ રહ્યા છે, આમ છતાં સંબંધિત તંત્ર ઉદાસીનતા દાખવતા હોય એવી કરૂણ સ્થિતિઓ જોવા મળી રહી છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવી લોકલાગણી વ્યક્ત થઈ રહી છે.

ઉદાહરણ તરીકે જ માત્ર જોઈએ તો, શહેરના પંચવટી મેઈન રોડ પર હાલમાં જ 2 ઉપરાઉપરી અકસ્માત સર્જાયા. એક અકસ્માતમાં ટ્રાવેલ્સની એક બસે એક કારને ઉડાવી દીધી. સદનસીબે તેમાં જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત આ જ વિસ્તારમાં આજે ગુરૂવારે સવારે એક બલેનો વાહને એક ટુ વ્હીલર વાહન ચલાવતી એક છાત્રાને ફૂટબોલ કરતાં આ છાત્રાને ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળે છે. આ પ્રકારના અકસ્માતો સર્જાતા જ રહે છે !
સૌ નગરજનોએ એ પણ નોંધ કરી હશે કે, અંબર ટોકીઝ ચાર રસ્તાથી માંડીને પંચવટી મેઈન રોડ તથા ત્યાંથી સરૂ સેકશન રોડને જોડતા માર્ગ સુધી, બંને તરફ અવરજવર કરતાં હજારો વાહનો બેફામ દોડે છે. આ મુખ્ય માર્ગ પર પટેલકોલોની 6 નંબર, ડીકેવી કોલેજ-વિકાસ રોડ, હિંમતનગર રોડ, મેડિકલ કોલેજ ચોક વગેરે જગ્યાઓ પર જંકશન આવે છે પરંતુ વાહનચાલકોને ઉતાવળ ફાટી નીકળી હોય એમ, પૂરપાટ વાહનો દોડી રહ્યા છે. થોડાથોડા સમયે ચોક્કસ જગ્યાઓ પર માત્ર દેખાડા પૂરતી ડ્રાઇવ યોજતી સંબંધિત પોલીસ સ્ટેશનની પોલીસ અને ટ્રાફિક પોલીસ આવા યમદૂત સમાન વાહનોની ગતિને કયારે અંકુશિત કરશે, એમ પીડિત નગરજનો પૂછી રહ્યા છે. શહેરમાં ટ્રાફિક નિયમન તો નથી જ થતું, ટ્રાફિક નિયંત્રણ પણ નથી થતું. ઉચ્ચ અધિકારીઓએ ટ્રાફિક પોલીસ વિભાગ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત વર્તાઈ રહી છે, એવી લાગણીઓ નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.(file image)
