Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના મીઠાપુર નજીકથી પસાર થતા સૌરાષ્ટ્ર મેઈલના આગમન પૂર્વે મંજૂરી વગર એમ્બ્યુલન્સ માટે ફાટક ખોલી આપનારા ગેટમેન સામે સેક્શન એન્જિનિયર દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે મૂળ બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના વતની અને હાલ મીઠાપુર રેલવે કોલોની ક્વાર્ટરમાં રહી અને સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાજારામ સુરેશભાઈ પ્રસાદ નામના રેલવે અધિકારીએ મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા અને તાજેતરમાં ગેટમેન તરીકે નોકરીમાં જોડાયેલા શ્રવણભા હઠીયાભા માણેક સામે મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે…
મંગળવાર તા. 29 ના રોજ સવારે ઓખાથી મુંબઈ તરફ જઈ રહેલા 22946 સૌરાષ્ટ્ર મેઈલને ભીમરાણા ગામના ફાટક નંબર 300 પાસે અટકાવી દેવામાં આવ્યો હતો. આ અંગે ગેટમેન શ્રવણભા માણેકને રેલવે અધિકારી રાજારામ પ્રસાદએ ફોન કરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ ફાટક પાસેથી પસાર થતી એક એમ્બ્યુલન્સમાં ડીલેવરી પેશન્ટ હોવાથી તેમને ઇમર્જન્સી હોવાનું જણાવતા તેમણે બંધ રહેલું આ ફાટક ખોલી આપ્યું હતું. જો કે આ ફાટક ખોલવા પૂર્વે તેમના દ્વારા ઉપલા અધિકારીની મંજૂરી લેવામાં આવી ન હતી અને ફાટક ખોલીને તેમણે એમ્બ્યુલન્સને જવા દીધી હતી. જેથી સૌરાષ્ટ્ર મેઈલના લોકો પાઈલોટએ ફાટક ખુલ્લુ હોવાથી ટ્રેન ભીમરાણા ગામ નજીક થોભાવી દીધી હતી.

મંજૂરી વગર ફાટક ખોલી આપવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય શકે અને તેમાં મનુષ્યના મૃત્યુ પણ થઈ શકે તેવી પૂરી શક્યતા હોવા છતાં પણ ગેટમેન શ્રવણભા માણેકે બેદરકારી દાખવીને ફાટક ખોલી નાખ્યાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આમ ગેટમેનએ સિક્યુરિટી વિભાગમાંથી ગત તારીખ 13 એપ્રિલના રોજ નોકરી જોઈન્ટ કરી અને ત્યારબાદ તેમને 13 થી 25 એપ્રિલ સુધી ગેટમેન તરીકેની તાલીમ આપવામાં આવી હતી અને તારીખ 26 એપ્રિલથી તેમણે ભીમરાણા રેલવે ફાટક નંબર 300 ઉપર ગેટ મેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે બીએનએસ તેમજ રેલવે એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.(file image)