Mysamachar.in-જામનગર:
જામનગરમાં સાધનાકોલોની, ગાંધીનગર, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં અઠવાડીક બજારો અલગઅલગ વારે ભરાય છે જેને લોકોની ભાષામાં ગુજરીબજાર કહેવામાં આવે છે. આ પ્રકારની તમામ ગુજરીબજાર શહેરમાં એક જ જગ્યાએ સપ્તાહના અલગઅલગ દિવસોએ યોજવા અંગે મહાનગરપાલિકાએ ત્રણેક મહિનાઓ અગાઉ એક નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણયનો અમલ હજુ સુધી મહાનગરપાલિકાએ શરૂ કર્યો નથી. ખરેખર તો આ નિર્ણય સારો છે પરંતુ તેનો અમલ કરવામાં વાંધો શું છે, એ પ્રશ્ન સપાટી પર આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ તા.22-01-2025ના દિવસે મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એવો સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો કે, શહેરમાં જુદાજુદા વારે જે ગુજરીબજારો ભરાય છે તે ગુજરીબજારોને કારણે જેતે વિસ્તારમાં રહેતા લોકોને ટ્રાફિક જામ અને ગંદકી સહિતની હાલાકીઓ વેઠવી પડી રહી છે અને તેથી આ ગુજરીબજારો બંધ કરાવવા સંબંધે મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો પણ થઈ છે.
આ રજૂઆતો ધ્યાન પર લઈ મહાનગરપાલિકાએ એમ નક્કી કર્યું હતું કે, શહેરમાં ભરાતી દરેક ગુજરીબજાર જુદાજુદા દિવસે એક જ જગ્યાએ નદીના પટ્ટમાં યોજવામાં આવશે. મહાનગરપાલિકા આ નિર્ણયનો અમલ કરાવવાનું ભૂલી ગઈ છે. હવે આ નિર્ણયનો અમલ શરૂ કરાવવો જોઈએ.

નદીના પટમાં ગુજરીબજારના દરેક ધંધાર્થીને મહાનગરપાલિકાએ નિયત જગ્યા અને નિયત દિવસ ફાળવવો જોઈએ. આ ધંધાર્થીઓને હંગામી ભાડૂઆત તરીકેના પરવાના પણ આપી શકાય અને ભાડાપેટે મહાનગરપાલિકા અહીંથી આવક પણ મેળવી શકે. અને નદીના પટમાં આ રીતે જુદાજુદા દિવસોએ ગુજરીબજાર ભરવામાં આવે તો નાના ધંધાર્થીઓ બે પૈસા કમાણી કરી શકે તથા લાખો નગરજનો પોતાની જરૂરિયાત મુજબની ચીજો તથા શાકભાજી વગેરે અહીંથી ખરીદી શકે. આ ગુજરીબજારમાં મહાનગરપાલિકા ધારે તો પીવાના પાણીની તથા સ્વચ્છતા અને બંદોબસ્તની સુવિધાઓ પણ નાગરિકોને તથા ધંધાર્થીઓને આપી શકે. આ પ્રકારના સારા નિર્ણયનો વ્યવસ્થિત અમલ કરાવી શકાય તો શહેરમાં એક નવી અને કાયમી વ્યવસ્થા ઉભી કરી શકાય જે સૌને માટે લાભદાયી પૂરવાર થઈ શકે. આ સ્થળે હજારો લોકોની અવરજવર ધ્યાન પર લઈ અહીં મોબાઈલ શૌચાલય જેવી વ્યવસ્થાઓ પણ થઈ શકે. મહાનગરપાલિકાએ શહેરની જરૂરિયાત ધ્યાને લઈ પોતાના 3 મહિના અગાઉના આ નિર્ણયના સુચારૂ અમલ માટે ત્વરિત કશુંક વિચારવું જોઈએ, એવી લાગણીઓ નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.(symbolic image)