Mysamachar.in-અમદાવાદ:
ધાર્મિક દબાણો હટાવવા મામલે સુપ્રિમ કોર્ટે 2009ના સપ્ટેમ્બરમાં તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ, ગુજરાત સરકારે 2024ની 19મી એપ્રિલે આ સંબંધે ઠરાવ કર્યો હતો. આ તારીખોની હાઈકોર્ટે નોંધ કરી. હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ધાર્મિક દબાણો મામલે જે કાર્યવાહીઓ થઈ રહી છે, તે સાથે એ પણ નોંધનીય છે કે, આ મામલો હાઈકોર્ટે સુઓમોટો ચલાવ્યો છે. આ અદાલતી કાર્યવાહીઓ હજુ પણ હાઈકોર્ટમાં ચાલી રહી છે, તે દરમ્યાન સરકારે આ સંબંધે હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું.
સરકાર વતી આ સોગંદનામું ગૃહવિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા દાખલ થયું છે. જેમાં જણાવાયું છે કે, એપ્રિલ-2025 સુધીમાં સરકારે રાજ્યમાં 99 ધાર્મિક દબાણ હટાવ્યા. 49 દબાણોને રિલોકેટ કરવામાં આવ્યા. ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સરકારે આ પ્રગતિ અહેવાલ રજૂ કર્યો.
જાહેર માર્ગ અને જાહેર સ્થળો પર જ્યાં જ્યાં દબાણો છે તે દબાણો દૂર કરવા બાબતે હાઈકોર્ટે જે સુઓમોટો રિટ દાખલ કરેલી છે તેના જવાબમાં સરકારે આ વિગતો અદાલતને આપી. સરકારે જણાવ્યું છે કે, ધાર્મિક દબાણોની સંખ્યાના આધારે તમામ જિલ્લાઓને અલગઅલગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. જેમાં 1,000થી વધુ દબાણ ધરાવતા જિલ્લાઓનો પણ સમાવેશ છે અને 100થી ઓછા દબાણ ધરાવતા હોય તેવા જિલ્લાઓ પણ અલગઅલગ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
-સરકારે વિગતો આપતાં અદાલતને કહ્યું
જે 99 ધાર્મિક દબાણ હટાવાયા તે પૈકી 66 દબાણ જિલ્લાઓમાંથી અને 33 દબાણ મહાનગરપાલિકા વિસ્તારોમાંથી દૂર કરવામાં આવ્યા છે. જે 49 દબાણો રિલોકેટ કરવામાં આવ્યા છે તેમાંથી 4 દબાણો જિલ્લાઓમાં અને 45 દબાણો મહાનગરપાલિકા વિસ્તારના છે. (તેનો અર્થ એ થયો કે, શહેરી વિસ્તારના મોટાભાગના આવા દબાણોને અન્ય જગ્યાઓ મળી ગઈ ). આ ઉપરાંત કુલ 52 દબાણો નિયમો અનુસાર, નિયમિત કરી આપવામાં આવ્યા છે.
-એફિડેવિટ કહે છે
રાજ્યમાં 310 દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. અને, 754 નોટિસ લોકલ પ્રચાર માધ્યમોમાં પ્રકાશિત કરવામાં આવી છે. 175 સ્થાનિક ધાર્મિક અગ્રણીઓ સાથે બેઠક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડી અદાલતમાં હવે પછીની સુનાવણીઓ ઉનાળુ વેકેશન બાદ યોજવામાં આવશે.અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અગાઉ રાજ્ય સરકારે અદાલતમાં કહેલું કે, નવેમ્બર-2024થી જાન્યુઆરી-2025 સુધીમાં રાજ્યમાંથી કુલ 156 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. જે પૈકી 127 દબાણ જિલ્લાઓ હસ્તકના અને બાકીના 29 દબાણો મહાનગરપાલિકા હસ્તકની જમીનો પરના હતાં. એ સમયગાળામાં કેટલાં દબાણ રિલોકેટ કરવામાં આવ્યા, એ આંકડો બહાર આવ્યો નથી. અને, કેટલાં દબાણ નિયમિત કરવામાં આવ્યા, તેની પણ આંકડાકીય માહિતીઓ જાહેર થઈ નથી.(file image)
