Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની પ્રતિષ્ઠા શું છે એ સૌ જાણે છે, તાજેતરમાં આ શાખામાંથી 2 કર્મીઓને અન્ય શાખામાં મોકલી આપવામાં આવ્યા છે અને અન્ય 2 અધિકારીઓને આ શાખામાં જવાબદારીઓ સોંપવામાં આવી છે, જે દર્શાવે છે કે- આ શાખામાં કંઈક રંધાઈ અથવા ગંધાઈ રહ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકાના ખુદના ઓડિટ રિપોર્ટમાં પણ, એસ્ટેટ શાખા અંગે એક ગંભીર નોંધ લખેલી છે.
મહાનગરપાલિકાએ વર્ષ 2022-23 નો ઓડિટ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કોર્પોરેશનની વિવિધ શાખાઓની જાણીતી અને અજાણ’ગતિવિધિઓ’ અંગે ઘણું લખવામાં આવ્યું છે. આ લખાણો પૈકી એક લખાણ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અંગે છે. જેમાં ‘લોચા’ ચાલતાં હોવા અંગે અંગૂલીનિર્દેશ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એસ્ટેટ ઓફિસરે દબાણો ઉપરાંત શહેરમાં લગાડવામાં આવતા જાહેરાતોના મોટાનાના ખાનગી અને સરકારી ‘જાહેરાતો’ના હોર્ડિંગ અંગે પણ કામગીરીઓ અને કાર્યવાહીઓ કરવાની હોય છે. ‘દબાણો’ માફક આ હોર્ડિંગના ક્ષેત્રમાં પણ ઘણું ન ચાલવાનું ચાલતું રહેતું હોય છે.
ઓડિટ રિપોર્ટમાં એક જગ્યાએ એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, વર્ષ 2011 થી 2017 સુધીના સમયગાળાના, ‘સરકારી’ જાહેરાતોના જૂના બિલો ઓડિટ વિભાગ સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ બિલોની કુલ સંખ્યા 13 દર્શાવવામાં આવી છે. અચરજની વાત એ છે કે, કોઈ અધિકારીઓ આ કામગીરીઓ કરાવ્યા બાબતેના કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો આપવા માટે ‘તૈયાર’ નથી. આ બિલોનો મામલો આટલાં વર્ષો સુધી અટકેલો અને લટકેલો પડ્યો હોય, હાલ આ મામલો કમિશનરના ટેબલ પર ફાઈલના રૂપમાં મોકલવા શાખાને જણાવવામાં આવ્યું છે. અને, ઓડિટ શાખાએ એમ પણ નોંધ કરી છે કે, આ જૂના મામલાને ઓડિટ શાખામાં પણ મૂકવો જરૂરી છે.
2025માં પણ 2011-2017ના જાહેરાતોના નાણાંકીય ‘લોચા’ સૂલટી શક્યા ન હોય, એમ દેખાઈ રહ્યું છે કે, એસ્ટેટ શાખામાં ખાસ કરીને સરકારી જાહેરાતોના હોર્ડિંગ બાબતે ઘણું ‘ગંધારૂં’ અને ‘અંધારૂ’ ચાલતું હશે. 2017 થી 2025ના હિસાબોનું શું છે, એ તો હવે પછીના ઓડિટ રિપોર્ટ પરથી ખ્યાલ આવી શકે.
