Mysamachar.in-જામનગર:
જામનગર SOGની ટીમે જામનગરના 3 એવા આરોપીઓને શોધી કાઢ્યા છે જેમના વિરુદ્ધ રૂ. 150 કરોડના બોગસ બિલિંગનો આરોપ હતો. જો કે, આ આરોપીઓ વિરુદ્ધ તાજેતરમાં સુરત ખાતે એક કેસ દાખલ થયા બાદ આ આરોપીઓની ધરપકડ થઈ છે. આરોપીઓ કચ્છ પંથકમાંથી ઝડપાયા હોવાનું જાહેર થયું છે.
જામનગર પોલીસે જાહેર કર્યું છે કે, આ આરોપીઓ વિરુદ્ધ જામનગર પોલીસમાં તથા સુરત પોલીસમાં ગુનાઓ દાખલ થયેલા હતાં પરંતુ આ આરોપીઓ ભાગતા ફરતાં હતાં. એક આરોપી વિરુદ્ધ જામનગર પોલીસમાં 2015 થી 2020 દરમિયાન ગુનાઓ દાખલ થયેલા. એક આરોપી વિરુદ્ધ જામનગરમાં 2019માં અને સુરતમાં 2025માં ગુનાઓ દાખલ થયેલા છે. અને ત્રીજા આરોપી વિરુદ્ધ જામનગરમાં 2014ની સાલથી ગુનાઓ દાખલ થતાં રહે છે, તેના વિરુદ્ધ આ વર્ષે સુરત પોલીસમાં ગુનો દાખલ થયો.
તાજેતરમાં થોડા દિવસ અગાઉ એમ જાહેર થયેલું કે, આ 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસમાં બનાવટી હથિયાર લાયસન્સના ગુનાઓ દાખલ થયા. ત્યારબાદ જામનગરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ SOG દ્વારા એક ખાસ તપાસટીમનું ગઠન થયું. આ ટીમના મુખ્ય તપાસનીશ અધિકારી PSI આર.ડી. ગોહિલ અને PSI એમ.એલ.ઝેરની ટીમે આ આરોપીઓને કચ્છમાંથી શોધી લીધાં છે. આ ટીમ SOG PIબી.એન.ચૌધરીની સૂચનાઓ મુજબ કાર્યરત હતી.
જામનગર પોલીસે જાહેર કર્યું છે કે, આ શખ્સોએ ભૂતકાળમાં બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરારની મદદથી બોગસ પેઢીઓ ઉભી કરેલી અને આ પેઢીઓના નામથી બોગસ બિલિંગ કૌભાંડ આચરેલું છે અને સરકારની તિજોરીને રૂ. 150 કરોડના કૌભાંડથી નુકસાન કરેલું છે. આ શખ્સોના કબજામાંથી રૂ. 15.50 લાખનો મુદ્દામાલ પોલીસે પોતાના કબજામાં લઈ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હસ્તક આ શખ્સોની વધુ તપાસ હાથ ધરી છે.
આ શખ્સો કચ્છ આડેસર ચેક પોસ્ટ પરથી જામનગર SOG ટીમના હાથમાં ઝડપાઈ ગયા છે. આ 3 આરોપીઓના નામ વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા ( મૂળ ગામ ઉપલેટાનું રાજપરા અને હાલનું સરનામું: ઓસિયન સોલિટેર એપાર્ટમેન્ટ, ભૂતિયા બંગલા સામે, પંચવટી મેઈન રોડ, જામનગર), મયૂરસિંહ ભરતસિંહ સોઢા ઉર્ફે લાલો (મચ્છરનગર, જામનગર. મૂળ ગામ ઢંઢા) અને સત્યજિતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા ( પટેલ કોલોની, 11/1, સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ, જામનગર. મૂળ ગામ કાલાવડ તાલુકાનું ભાવાભી ખીજડીયા) છે.