Mysamachar.in:રાજકોટ:
હરિયાણાનો એક ટ્રક ડ્રાઈવર ગોવાથી રૂ. 45 લાખનો શરાબ લઈ છેક રાજકોટ સુધી સલામત પહોંચી ગયા બાદ, આ ટ્રક મોરબી બાયપાસથી જામનગર રોડ તરફની AIIMS હોસ્પિટલ બાજુ આવી રહ્યો હતો ત્યારે, રાજકોટ DCPના માર્ગદર્શન મુજબ, પોલીસટીમ ત્રાટકી અને આ ટ્રક ઝડપાઈ ગયો.
આ ટ્રક નાગાલેન્ડ પાસિંગ ધરાવે છે. ટ્રક ચાલક હરિયાણાનો છે. તેણે પૂછપરછમાં કહ્યું કે, આ ‘માલ’ જામનગર તરફ લઈ જવાની સૂચનાઓ હતી. ટ્રકમાંથી રૂ. 45.63 લાખની કિંમતની શરાબની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને રૂ. 10 લાખની કિંમતનો ટ્રક કબજે લેવામાં આવ્યો છે. આ શખ્સનું નામ સાજિદઅલી છે. તેને જામનગર તરફ માલ લઈ જવાનું કહેવાયું હતું અને આ ચાલક એક વ્યક્તિ સાથે વોટ્સએપ કોલિંગથી સંપર્કમાં હતો. પોલીસ આ નંબરને આધારે તે વ્યક્તિ સુધી પહોંચવા આગળ વધી રહી છે. એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ માલ કબજે લેવાયો છે.
