Mysamachar.in-જામનગર:
જામનગરના નૂરી ચોકડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં એક શ્રમિક કામ કરી રહ્યો હતો, આ તકે આ શ્રમિકની સેફટી એટલે કે સલામતી મામલે બેદરકારી સેવવામાં આવી હતી, જેને પરિણામે આ શ્રમિકનું ઉપરથી નીચે પડી જતાં ઈજાઓને કારણે મોત થયું છે.આ બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગતો એવી છે કે, જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં સિલ્વર સ્કાય નામના એક એપાર્ટમેન્ટની કામગીરીઓ ચાલી રહી છે. આ નવા બની રહેલાં એપાર્ટમેન્ટમાં 30 વર્ષનો એક પરપ્રાંતીય શ્રમિક સેફટી નેટ લગાવી રહ્યો હતો. આ સમયે શ્રમિકની ખુદની સેફટી માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. જેને કારણે આ શ્રમિકનું મોત થયું.
શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, મધ્યપ્રદેશના કમલેશભાઈ નામના આદિવાસી યુવાને ગઈકાલે ગુરૂવારે બપોરે જાહેર કર્યું કે, આજે સવારે દસેક વાગ્યે રીકલાભાઈ નામનો 30 વર્ષનો શ્રમિક આ નવા બની રહેલાં એપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યો હતો ત્યારે, અકસ્માતે ત્રીજા માળેથી નીચે પડી ગયો અને ગંભીર હાલતમાં તેને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમ્યાન આ યુવાનનું મોત થયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉદ્યોગો તથા બાંધકામ સાઈટ્સ પર કામદારો અને શ્રમિકોની સુરક્ષા તથા સલામતી માટે રાજ્ય સરકારે ઘણાં કાયદાઓ તથા નિયમો અને જોગવાઈ જાહેર કરેલી છે અને આ બધી બાબતોના પાલન તથા અમલ માટે સરકાર એક અલાયદો વિભાગ પણ નિભાવે છે. પરંતુ જામનગરમાં ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ નામનો આ વિભાગ સંપૂર્ણ લાલિયાવાડીઓ આચરે છે અને આ વિભાગ પર સરકારનું કોઈ મોનિટરીંગ પણ ન હોય તેવી સ્થિતિઓ છે, જેને કારણે ઉદ્યોગો તથા બાંધકામ સાઈટ્સ પર આ રીતે કામદારો અને શ્રમિકોના મોત થતાં રહે છે. અને, આ વિભાગના અધિકારીઓ પોતાની ‘મોજ’માં વ્યસ્ત રહેતા હોય છે. બીજી તરફ આ વિભાગ ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિષેના સરકારી કાર્યક્રમોમાં સેફટી અને ગુણવત્તાની વાતો કરતો રહે છે જ્યારે હકીકત એ છે કે, આ વિભાગ ખુદ કવોલિટી વર્ક કરવામાં માનતો નથી.
