Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં 66% થી લઈને 150 % જેટલો વધારો કરવામાં આવ્યો છે તેમ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
મંત્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, પ્રાથમિક પ્રકારની સહકારી મંડળીઓ કે જેઓ દર વર્ષે રૂા. 750ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકતા હતા તે હવે રૂા.1250 સુધીની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે.તાલુકા કક્ષાની મંડળીઓ રૂા. 1000ને બદલે રૂા.2500, જિલ્લા કક્ષાની મંડળીઓ રૂા. 3000ના બદલે રૂા.5000 અને રાજ્યકક્ષાની મંડળીઓ રૂા. 6000ના બદલે રૂા. 10,000ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે. આમ સભાસદોને વધુ સારી ભેટ મળતા તેઓ મંડળી સાથે જોડાવા પ્રોત્સાહિત થશે જેથી સહકારી મંડળીઓનો વધુ સારો વિકાસ થશે. રાજ્ય સરકારે મંડળીઓને આપવામાં આવતી ભેટની ખરીદી પણ ઈટેન્ડરિંગ પદ્ધતિથી ખરીદવા જણાવ્યું છે, આનાથી આવી ભેટની ખરીદી સમયે થતી અનિયમિતતા પણ અટકશે.

સહકારી ક્ષેત્રમાં અગ્રેસર એવા ગુજરાતમાં પણ સહકારી મંડળીઓ સંબંધીત વહીવટમાં સુધારાઓ માટે સતત નિર્ણયો સહકાર વિભાગ લઈ રહ્યો છે. જેના ભાગરૂપે સહકારી મંડળીઓમાં થતી બિનજરૂરી મોંઘા વાહનોની ખરીદીની મર્યાદા નક્કી કરીને રાજ્ય સરકારે વધુ એક વખત સભાસદોના લાભ માટે સહકારી મંડળીઓનો વહીવટ વધુ પારદર્શક કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.
રાજ્યમાં ૮૯,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જેમાં જિલ્લા દૂધ સંઘોથી લઈને જિલ્લા બેંકો જેવી મોટી મોટી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. આની સાથે કરોડો સભાસદો જોડાયેલા છે, ત્યારે સહકાર વિભાગ દ્વારા સહકારી મંડળીઓના વિકાસની સાથે સાથે વહીવટમાં પારદર્શિતા લાવવા માટે મહત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વારા એકબાજુ ભેટની મર્યાદામાં વધારો કર્યો તો બીજી બાજુ સહકારી મંડળીઓમાં થતી મોંઘા વાહનોની ખરીદી પણ રોક લગાવવામાં આવી છે. મંડળીઓને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરીને, નિશ્ચિત મોડેલ વાળા વાહનોથી મોંઘા વાહનો ન ખરીદવા જણાવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત સહકારી મંડળીઓના સભાસદ માટે અગાઉ પણ રાજ્ય સરકારે ડિવિડન્ડની મર્યાદા 15% થી વધારીને 20% સુધી કરી છે જેનો લાભ કરોડો સભાસદોને થયો છે ત્યારે સભાસદ ભેટ મર્યાદામાં પણ વધારો થવાથી કરોડો સભાસદો આનાથી લાભાન્વિત થવાના છે. સહકારી મંડળીઓમાં વાહનોની જરૂરિયાત રહે છે પરંતુ હોદ્દેદારો દ્વારા મંડળીઓમાં જરૂરી ન હોવા છતાં પણ મોંઘા વાહનોની ખરીદી કરવામાં આવતી હતી જે મંડળીના ફંડનો વ્યવસ્થિત વપરાશ નક્કી કરતો ન હતો જેથી રાજ્ય સહકારી કાઉન્સિલમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય અનુસાર વાહનોની ખરીદી માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે.