Mysamachar.in-અમદાવાદ:
કોઈ પણ જ્ઞાતિનું દંપતિ છૂટાછેડા માટે અદાલતમાં ન જાય અને જ્ઞાતિના રિવાજ મુજબ કે અન્ય કોઈ રીતે છૂટાછેડા મેળવી લ્યે, એ એક પ્રકારની ‘સામાજિક શૈતાનિયત’ છે, એમ વડી અદાલતે એક નોંધપાત્ર ચુકાદામાં જણાવ્યું છે.
આ મામલો અમદાવાદનો છે. અમદાવાદનું એક દંપતિ અદાલતમાં પોતાના લગ્નના વેલિડેશન માટે ગયેલું. આ દંપતિના લગ્ન 25 વર્ષ અગાઉ થયા હતાં. 25 વર્ષથી તેઓ દંપતિ તરીકે રહેતાં હતાં. અદાલતે એમના લગ્નને ‘વેલિડ’ ગણવા ના પાડી દીધી. અદાલતે જણાવ્યું કે, 25 વર્ષ અગાઉ આ લગ્ન પહેલાં આ મહિલાએ અન્ય પુરુષ સાથે જે છૂટાછેડા લીધાં હતાં તે છૂટાછેડા અદાલત મારફતે નહીં પરંતુ સામાજિક રીતરિવાજ મુજબ મેળવવામાં આવ્યા હતાં. આ પ્રકારના ‘સામાજિક’ કે પરંપરા મુજબના છૂટાછેડાને અદાલત માન્ય લેખતી નથી.

આ દંપતિ અમેરિકા જવા માટેની ઈમિગ્રેશન વિધિ નિપટાવવા ચાહતું હતું આથી તેમને લગ્ન વેલિડેશન પ્રમાણપત્રની જરૂર હતી. આ પુરૂષે છૂટાછેડા બાદ 2001ના ઓક્ટોબરમાં અઆ મહિલા સાથે લગ્ન કર્યા અને 2008માં આ લગ્નની નોંધણી થઈ. આ દંપતિને હાલ 23 વર્ષનો એક પુત્ર પણ છે.
આ દંપતિ પૈકીની મહિલાએ અગાઉ અન્ય પુરુષ સાથે છૂટાછેડા લીધાં હતાં. પણ જેતે સમયે ‘સામાજિક’ રીતે છૂટાછેડા લીધાં હતાં. એ પુરુષનું 2007માં મૃત્યુ થયું. આ મહિલા પાસે હાલ ‘કાયદેસરના છૂટાછેડા’ નું અદાલતનું પ્રમાણપત્ર નથી. આથી અમેરિકન સત્તાવાળાઓએ આ મહિલાને વિઝા આપવા ઈન્કાર કરી, આ દંપતિને લગ્ન વેલિડેશન સર્ટિફિકેટ રજૂ કરવા કહેલું. આથી આ દંપતિ આ સર્ટિફિકેટ માટે અદાલત સમક્ષ ગયું હતું.
આ દંપતિએ પ્રથમ બારડોલીની ફેમિલી કોર્ટમાં આ વેલિડેશન સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. અદાલતે અરજી સ્વીકારી ન હતી. બાદમાં આ દંપતિ વડી અદાલતમાં આવ્યું. વડી અદાલતે મહિલાને કહ્યું: તમારી જ્ઞાતિમાં આ પ્રકારના સામાજિક છૂટાછેડા માન્ય નથી. વડી અદાલતે એમ પણ કહ્યું કે, આ મહિલા અરજદારે પોતાના અગાઉના પતિ સાથે કાયદેસર છૂટાછેડા મેળવેલા ન હોય, મહિલાના હાલના પતિ આ મહિલા સાથે અદાલત માન્ય લગ્ન કરી શકે નહીં. આથી લગ્ન વેલિડેશન સર્ટિફિકેટ આપી શકાય નહીં.(symbolic image)