Mysamachar.in-જામનગર:
જામનગર શહેરનો વિકાસ સતત થઇ રહ્યો છે ભલે થોડી સમસ્યાઓનો સામનો આજે પણ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો આવે તે હેતુથી આજથી થોડા વર્ષો પહેલા જે તે સમયના મનપાના શાશકો અને અધિકારીઓએ શહેરના હાર્દસમા એવા સુભાષબ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવાનું નક્કી કર્યું અને તે અંગેનો ડીપીઆર સરકારમાં મુકવામાં આવ્યો અને સરકારે આ પ્રોજેક્ટની લીલીઝંડી આપ્યા બાદ આ કામ હાલ ચાલી રહ્યું છે.
પણ મહત્વનું છે કે જયારે આટલા મોટા કામો ચાલતા હોય ત્યારે તેને લઈને ક્યારેક સવાલો ઉઠતા હોય છે ત્યારે ગતરોજ જામનગર મનપાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ફ્લાયઓવર બ્રીજ માટે વધુ 34 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો ત્યારે રાજકારણીઓથી લઈને સ્થાનિકો સુધી સૌ કોઈ આ વધારાના ખર્ચની વિગતો જાણવા માંગતા હોય ત્યારે તમારા સૌથી પ્રિય એવા my samachar.in ન્યૂઝ પોર્ટલ આ મામલાની અંદર સુધી પહોચી અને કેવી રીતે આ ખર્ચ મંજુર થયો તેની સીલસીલાબંધ વિગતો શોધીને આપના સુધી પહોચાડી છે ત્યારે આ સમાચારમાં આપને નીચે સ્ક્રોલ ડાઉન કરતા વાંચવા મળશે કે આ ફ્લાયઓવર બ્રીજમાં કઈ રીતે આટલો ખર્ચ વધી ગયો તે ઉપરાંત હાલ સુધીની કામગીરી કેટલી થઇ છે અને હવે કેટલું કામ છે તે બાકી છે તે તમામ માટે આપ નીચે સ્ક્રોલ કરતા રહો અને તમારા મનના જવાબો જાણતા રહો,

જામનગરમાં સુભાષબ્રિજથી સાત રસ્તા સુધી જે ફ્લાયઓવર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહ્યો છે, તેમાં કુલ ખર્ચ રૂ. 226.99 કરોડ થશે. અંબર ટોકીઝ નજીકનો રેમ્પ ભવિષ્યમાં બની શકે છે, હાલ સળંગ ફ્લાયઓવર બનશે. 22મી એપ્રિલના રોજ યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં થયેલાં નિર્ણય મુજબ, સરકારના નિયમો અનુસાર આ કોન્ટ્રાક્ટર પાર્ટીને અગાઉ નિયત થયેલ ખર્ચ કરતાં વધારાના રૂ. 33.78 કરોડ આપવામાં આવશે, આ વધારો કેવી રીતે અને શા માટે મંજૂર કરવામાં આવ્યો છે તેની તલસ્પર્શી વિગતો Mysamachar.in દ્વારા મેળવવામાં આવી છે.
JMCના સત્તાવાર રેકર્ડ પર કહેવાયું છે કે, આ પાર્ટીને જ્યારે વર્ક ઓર્ડર આપવામાં આવેલો ત્યારે, આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 193.21 કરોડ અંદાજવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારના પરિપત્ર અને ટેન્ડર ક્લોઝ મુજબ GST તફાવત, પ્રાઈઝ એસ્કેલેશન અને સ્ટાર રેઈટ સહિત કુલ રૂ. 25.95 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 18-07-2022થી GST જે અગાઉ 12 ટકા હતો તે, 18 ટકા થયો છે. આ તફાવતની કુલ રકમ રૂ. 9.29 કરોડ થાય છે.
આ ઉપરાંત બાંધકામમાં વપરાતા માલસામાનમાં થયેલા ભાવવધારાને ધ્યાન પર લઈ પાર્ટીને વન ટાઈમ ચૂકવણા તરીકે રૂ. 2.27 કરોડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ ચીજો જેવી કે સ્ટીલ, સિમેન્ટ વગેરેના સ્ટાર રેઈટની ગણતરી કરી રૂ. 19.91 કરોડ ચૂકવવાના થાય, તે પૈકી 16.28 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
આ સાથે જ, નિર્માણ કામગીરીઓ દરમિયાન ભૂગર્ભ ગટર વગેરેના શિફટીંગ સહિતના કામોમાં પણ વધારાનો ખર્ચ થયો છે, જેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે. અંબર જંકશન નજીક જેતે સમયે સ્થિતિ એ હતી કે, રેલ્વેની જમીન મળે તેમ જ ન હતી. હવે આ જમીન મળવાની શકયતાઓ ઉભી થતાં મહાનગરપાલિકાએ રેલ્વે વિભાગને દરખાસ્ત મોકલી આપી છે. અને કન્સલ્ટન્ટ કંપનીનો અભિપ્રાય પણ છે કે, જમીન મળે ત્યારે અંબર જંકશન પાસે ટ્રાફિકને એસેસ લેન્ડીંગ આપવાનો વિકલ્પ સારો છે. જો કે આ રેમ્પના ખર્ચ માટે ભવિષ્યમાં અલગથી નિર્ણય લેવામાં આવશે.
-અત્યાર સુધીમાં થયેલી કામગીરીઓની ટૂંકી વિગતો આ રહી…
મહાનગરપાલિકાના રેકર્ડ મુજબ, આ ફ્લાયઓવરની નિર્માણ કામગીરીઓ દરમિયાન અત્યાર સુધીમાં 93.64 ટકા ફિઝિકલ પ્રોગ્રેસ થઈ ચૂક્યો છે. મતલબ હવે માત્ર 6.36 ટકા કામ જ બાકી રહ્યું છે. અને અત્યાર સુધીમાં નાણાંકીય દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રોગ્રેસ 83.74 ટકા થયો છે, જે પ્રોજેક્ટના મૂળ ખર્ચ સાથે સંબંધિત છે. આ સાથે જ ભાવવધારા વગેરે બાબતે અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટર પાર્ટીને રૂ. 25.95 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. અંબર જંકશન રેમ્પ ન થવાથી હાલ રૂ. 8.59 કરોડની બચત પણ થઈ છે.
