Mysamachar.in-જામનગર:
જામનગરમાં હાલ પ્રદર્શન મેદાનમાં હંગામી ST ડેપો કાર્યરત છે. સત્તાવાળાઓએ આ હંગામી ST ડેપોના નિર્માણ સમયે કાચું કાપ્યું હોય, હાલ આ ડેપોમાં ઘટતી સુવિધાઓ માટે ફરી નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેને કારણે આ હંગામી ડેપોમાં ભારે અવ્યવસ્થાઓ અને તડાફડી જોવા મળી રહી છે.
જામનગરમાં દાયકાઓ જૂના અને વર્ષો સુધી જર્જરિત હાલતમાં રહેલાં ST ડેપોને હાલ તોડી પાડવામાં આવી રહ્યો છે, જ્યાં રૂ. 13 કરોડના અંદાજિત ખર્ચથી નવો ડેપો બનશે. નવો ડેપો નિર્માણ થતાં ત્રીસેક મહિનાઓ વીતી જશે. આથી વૈકલ્પિક વ્યવસ્થાઓ તરીકે હાલ સાત રસ્તા નજીકના પ્રદર્શન મેદાનમાં હંગામી ડેપો કાર્યરત કરવામાં આવ્યો છે.
ST સત્તાવાળાઓએ આ હંગામી ડેપો બનાવવાનો હતો ત્યારે ઘણી અને મીઠડી વાતો કરી હતી. સુવિધાઓ અને સગવડો વિષે વાતો થતી હતી. ત્યારબાદ, અઢી મહિના જેવો સમય લઈ અહીં હંગામી ડેપો બનાવવામાં આવ્યો. આ સ્ટ્રક્ચર ઉભું કરવામાં પૂરતો સમય લેવામાં આવ્યો અને સારો એવો ખર્ચ પણ કરવામાં આવ્યો. પરંતુ અંતે સાબિત એ થયું કે, પ્રદર્શન મેદાનમાં હંગામી ડેપો બનાવવાનું આયોજન કરનારાઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું.

આ હંગામી ડેપોમાં પૂરતાં પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા ન હોય, દરરોજ હજારો મુસાફરોને હાલાકીઓ વેઠવી પડે છે. ભારે ગિરદી રહે છે. ડેપોમાં અકસ્માતનો ભય રહે છે. હવાની અવરજવર, પાણી, પાર્કિંગ, બેસવાના બાંકડા તથા પંખાની અપૂરતી સુવિધાઓ જેવા વિવિધ કારણોસર રોજ હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
અચરજની વાત એ છે કે, રૂટની- બસોની તથા દૈનિક મુસાફરોની અવરજવર ધ્યાનમાં લીધા વિના ઉતાવળે ઓછા પ્લેટફોર્મ સાથેનો હંગામી ડેપો સત્તાવાળાઓએ ખડકી દેતાં હાલાકીઓનો કોઈ પાર નથી. હવે એમને જ્ઞાન થયું કે, પ્લેટફોર્મની સંખ્યા વધારવી પડશે. આથી હાલ અહીં 4 નવા પ્લેટફોર્મ સહિતની કેટલીક સુવિધાઓનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. એક તરફ અહીં રોજ હજારો મુસાફરો અને સેંકડો બસોની અવરજવર થઈ રહી છે અને બીજી તરફ ઘટતી સુવિધાઓ માટે તોતિંગ સાધનોથી ફરી નિર્માણ કામગીરીઓ થઈ રહી હોય, આ ડેપોમાં અકસ્માતનો ભય અને ગીચતાનો અનુભવ થઈ રહ્યો છે. અન્ય અસુવિધાઓ અલગ. પ્રદર્શન મેદાનમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય, હજારો લોકોમાં રોષ અને નારાજગીઓ વ્યક્ત થઈ રહી છે.