Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચોક્કસ પ્રકારની ભાડાપટ્ટાની એવી હજારો ‘સરકારી’ જમીનો છે જે હાલ કબજેદારો પાસે છે, અને આ સરકારી ખરાબાની અથવા પડતર જમીનો કાયમી રીતે વેચાણથી આપી દેવામાં આવે તો તેના બદલામાં સરકારને કરોડો રૂપિયાની ‘કમાણી’ થઈ શકે. અને, કબજેદાર માલિક બની જાય. આ માટેનો નિર્ણય સરકારે જાહેર કરી દીધો છે. સરકારના મહેસૂલ વિભાગે આ માટે વિસ્તૃત પરિપત્ર જાહેર કર્યો છે.
મહેસૂલ વિભાગના આ પરિપત્રમાં જણાવાયું છે કે, 30 વર્ષ કે તેથી વધુના ભાડાપટ્ટાથી જે જમીનો લાંબાગાળાના ભાડાપટ્ટે અપાયેલી હોય, તે સિટી સર્વે અંતર્ગતની જમીન પૈકી જે જમીન તબદીલીપાત્ર હોય અથવા અધિકૃત તબદીલી થયેલી હોય અને જાહેર હરરાજીથી અથવા ઉચ્ચક ભાડે અપાયેલી હોય તે જમીન જંત્રીદરની 15 ટકા રકમ વસૂલીને, માત્ર ભાડે અપાયેલી હોય તો 30 ટકા તથા અનધિકૃત તબદીલી હોય તેવા કિસ્સાઓમાં 25 ટકા રકમ વસૂલીને અને માત્ર ભાડે અપાયેલી હોય તો 50 ટકા વસૂલીને આપી શકાશે.

આ ઉપરાંત જે જમીન ટૂંકાગાળાના ભાડાપટ્ટાની( 7 થી 30 વર્ષ સુધીનો ભાડાપટ્ટો) હોય, તબદીલીપાત્ર અથવા તબદીલ થયેલી હોય, જાહેર હરરાજીથી અપાયેલી હોય તો જંત્રીદરના 20 ટકા, માત્ર ભાડે અપાયેલી હોય તો જંત્રીદરના 40 ટકા અને અનધિકૃત જાહેર હરરાજીવાળી હોય તો 30 ટકા અને માત્ર ભાડે અપાયેલી હોય તો જંત્રીદરના 60 ટકા વસૂલી વેચાણથી આપી શકાશે.
આ ઉપરાંત પરિપત્રમાં કહેવાયું છે: આ યોજના ખેતી કે ઉદ્યોગ જેવા હેતુસર અપાયેલી જમીનોના કિસ્સાઓમાં લાગુ પડશે નહીં. જિલ્લાના માત્ર સિટી સર્વે હેઠળના વિસ્તારોની જમીનોને જ લાગુ પડશે. આ સાથે પરિપત્રમાં કુલ 17 વિવિધ શરતો જાહેર કરવામાં આવી છે. સરકારે આ મંજૂરી 21-04-2025ના સક્ષમ અધિકારીના પત્રથી જાહેર કરી છે.