Mysamachar.in-જામનગર:
જામનગર વીજતંત્રમાં થોડા થોડા સમયે અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને કથિત ભ્રષ્ટાચાર સહિતના પ્રકરણો વિવાદના રૂપમાં ગાજતા હોય છે અને બાદમાં આવા વિવાદો સમય જતાં ભૂલાઈ પણ જતાં હોય છે, એ પ્રકારની સ્થિતિઓ વચ્ચે વીજતંત્ર વધુ એક વખત કૌભાંડમાં ખબર બન્યું છે. કૌભાંડનો આંકડો રૂ. 41 લાખ ઉપરનો હોવાનું પોલીસ ફરિયાદ થતાં જાહેર થયું છે.
જામનગર નજીકના દરેડ ખાતે વીજતંત્રનો સ્ક્રેપ સ્ટોર આવેલો છે. આ સ્ટોરમાંથી એલ્યુમિનિયમ સહિતના ભંગારના જથ્થાનો નિકાલ કરવા માટે, પ્રક્રિયાઓ અનુસાર મોરબીની 2 પેઢી પસંદ થઈ હતી. આ પેઢીઓના જવાબદારો આ ભંગાર લઈ જવા આવ્યા હતાં. તે સમયે નિયમ મુજબ કેટલો ભંગાર આપવામાં આવી રહ્યો છે તેનો ચોક્કસ આંકડો વજનમાં જાણવા માટે આ ભંગારનું વજન અલગઅલગ 3 વે-બ્રિજ ખાતે થયું.
આ પ્રક્રિયાઓ દરમ્યાન વીજતંત્રના અધિકારીઓને શંકાઓ થઈ કે, વજનમાં કંઈક ગોલમાલ છે. ભંગારનું વજન રેકર્ડ મુજબ જે થયું છે તેના કરતાં ઓછું વજન આ વજનકાંટા પર થયું. આથી સમગ્ર પ્રોસેસ તપાસવામાં આવી તો જાણમાં આવ્યું કે, વજનકાંટામાં વજન કરતી વખતે ખરીદનાર પેઢીઓ અને અન્ય વ્યક્તિઓએ કંઈક ‘કળા’ કરી, આ ‘કળા’ પકડાઈ ગઈ. આથી વીજતંત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી.

જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર, અલગઅલગ ટ્રકમાં ભંગાર હતો તેના કરતાં 21 ટન ભંગાર ઓછો છે તેવું જાહેર થતાં આ આખો મામલો વીજતંત્રના ધ્યાન પર આવી ગયેલો અને સમગ્ર પ્રક્રિયાઓનું વીડિયો રેકોર્ડિંગ થયેલું છે. જેના પરથી જાહેર થયું કે, આ આખી છેતરપિંડીનું મૂલ્ય રૂ. 41 લાખ કરતાં વધુ રકમનું થાય છે.
આ મામલે વીજતંત્રના કર્મચારી નૂરમહમ્મદ વલીભાઈ ખીરા દ્વારા મોરબીની 2 પેઢી અને આ કાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. મોરબીની 2 પેઢી જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝના ડ્રાઈવર સહિતના લોકોનો આ ‘કારસો’ હતો એમ ફરિયાદમાં જાહેર થયું છે.
જો કે, આ સમગ્ર મામલામાં ભંગાર વેચનાર વીજતંત્ર વતી કોઈએ કોઈ પ્રકારની ભૂમિકા ભજવી હતી કે કેમ, વગેરે બાબતો તપાસનો વિષય લેખાવી શકાય. આથી હવે પોલીસ તપાસ દરમ્યાન શું શું બહાર આવશે, એ જાણવાની સૌને ઉત્સુકતા છે. હાલ તો આ ‘કળાકારીગરી’ બહાર આવી જતાં, વીજતંત્રમાં અને ભંગાર ખરીદદાર પેઢીઓમાં તેમજ આ કાંડ સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વજનકાંટા પર સરકારી પ્રોસેસ દરમિયાન ગેરરીતિઓ કેવી રીતે શક્ય બની ?! એ મુદ્દો હાલ તો ચર્ચાઓમાં છવાયો છે.
-આ મામલે વીજતંત્રના વડા શું કહે છે ?…
આ સમગ્ર પ્રકરણ બાબતે Mysamachar.in દ્વારા જામનગર વીજકચેરીના અધિક્ષક ઈજનેર હસિત વ્યાસનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. એમના કહેવા અનુસાર, વીજતંત્રએ આ બાબતે જે પ્રક્રિયાઓ અનુસરવાની હતી તે અનુસરી, આ વિશ્વાસઘાત છેતરપિંડીઓ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે. હવે આગળની તપાસ સહિતની પ્રક્રિયાઓ પોલીસ હાથ ધરશે.
