Mysamachar.in-જામનગર:
જામનગરમાં રાજ્ય સરકારની જનશક્તિ અને સુજલામ સુફલામ યોજનાનો ધમધમાટ નદીના પટમાં દેખાઈ રહ્યો છે. આગામી દિવસોમાં અહીં મોટી કાર્યવાહીઓની તૈયારીઓ હાલ ધીમા પગલે ચાલી રહી છે પરંતુ જાણકારોના મતે, અહીં આગામી સમયમાં મોટાપાયે કામગીરીઓ શરૂ થઈ જશે, કેમ કે નદીના પટમાં વર્ષોથી સેંકડો દબાણો હોવાનું સૌ કોઈ જાણે જ છે. નદીના મૂળ નકશા મુજબ જો કામગીરીઓ થશે તો એમ કહેવાય છે કે, ઉહાપોહ બહુ મોટો મચી જશે. કોર્પોરેશન હાલ ધમાચકડી ન બોલે, એ રીતે જો કે આગળ વધી રહ્યું છે.
રાજ્ય સરકારના સુજલામ સુફલામના ઠરાવ મુજબની કામગીરીઓ કેવી રીતે કરવી એ માટે કોર્પોરેશને રાજ્ય બહારની એટલે કે મહારાષ્ટ્રના પૂનાની એક કન્સલ્ટન્ટ કંપનીને ભાડે રાખી છે, તેનો અર્થ પણ એવો થઈ શકે કે, સુજલામ સુફલામની આડમાં અહીં કોઈ મોટું પ્લાનિંગ પણ સાથેસાથે થઈ રહ્યું હોય શકે.
આજે સવારે આ બાબતે Mysamachar.in દ્વારા કોર્પોરેશનની એસ્ટેટ શાખાના અધિકારી હરેશ વાણિયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના કહેવા અનુસાર, નોટિસો તૈયાર થઈ રહી છે અને સાથેસાથે સંબંધિત દબાણકારો સુધી નોટિસની બજવણી પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં આશરે 500થી વધુ નોટિસ બની ચૂકી છે અને હજુ પણ વધુ નોટિસો તૈયાર થશે કેમ કે હાલ તો, લાલપુર બાયપાસ સહિતના વિસ્તારોથી જ આ કામગીરીઓ શરૂ થઈ છે.
સૂત્રના કહેવા અનુસાર આગામી સમયમાં કાલાવડ નાકા વિસ્તાર થઈ, ધુંવાવ નાકા અને નવાગામ ઘેડ સહિતના નદીના પટના બધાં જ દબાણકારોને નોટિસોની બજવણી થશે ત્યાં સુધીમાં દબાણોની સંખ્યા એકાદ હજારની આસપાસની જાહેર થાય તો પણ નવાઈ નહીં. કારણ કે, નદીના સળંગ પટમાં ઠેરઠેર દબાણો છે. હાલમાં વોર્ડ નંબર 16 અને 12ના છેવાડાના વિસ્તારો એટલે કે નદીકાંઠાના વિસ્તારોમાં આ કામગીરીઓ થઈ રહી હોવાનું જાણવા મળે છે.
-દરમ્યાન, એક વાત એવી પણ બહાર આવી છે કે….
મહાનગરપાલિકા સહિતની કોઈ પણ સંસ્થાએ નદી કે તળાવ ઉંડા પહોળા કરવાની કોઈ પણ કામગીરીઓ સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત કરવાની થતી હોય ત્યારે, આ સંસ્થાઓએ સંબંધિત ખાણખનિજ તંત્ર સાથે તથા કલેક્ટર ઓફિસ સાથે પણ સંકલનમાં રહેવાનું હોય છે. સરકારના ઠરાવમાં પણ આ સ્પષ્ટતાઓ છે.
કોઈ પણ નદી કે તળાવને ઉંડુ ઉતારતી વખતે જે કાંઈ માટી નીકળે તે આસપાસના ખેડૂતોને વિના મૂલ્યે આપી શકાય છે અથવા સંસ્થાઓ પોતાના માટે ઉપયોગ કરી શકે છે. પરંતુ જો માટી સિવાયનું કોઈ પણ ખનિજ, દાખલા તરીકે પથ્થર નીકળે તો પણ, સંસ્થાએ ખાણખનિજ વિભાગને જાણ કરવાની રહે, પરવાનગી મેળવવાની રહે. આ પ્રકારની સૂચનાઓ ઠરાવમાં હોવાનું ખાણખનિજ વિભાગના મુખ્ય અધિકારી સુભાષ જોષીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે. જો કે મહાનગરપાલિકાએ નદીના કામ માટે આ પ્રક્રિયાઓનું પાલન કર્યું છે કે કેમ, એ અંગે તેમણે મૌન રાખ્યું હતું. ખાણખનિજ વિભાગે પોતાની રીતે, નદીના સ્થળની વિઝિટ પણ કરી નથી.
બીજી તરફ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાનીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા કરી છે કે, મહાનગરપાલિકા અને ખાણખનિજ વિભાગ વચ્ચે, નદીના કામ બાબતે કોઈ સંકલન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત કલેક્ટર તંત્ર સાથે, આ સુજલામ સુફલામ યોજના સંબંધે કોઈ સંકલન થયું છે કે કેમ, તે અંગે પણ આ અધિકારી અજાણ છે.
-કલેકટરને પત્ર લખી જાણ કરી છે
જો કે આજે બાદમાં સીટી ઈજનેર ભાવેશ જાની સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવતા તેવાઓએ જણાવ્યું હતું કે જે ખોદાણ કામ ચાલી રહ્યું છે તે કામગીરી અંગે કોઈ અવરોધ ઉભો ના થાય અને યોગ્ય રીતે પહોળી અને ઊંડી થઇ શકે તે માટે જામનગર મ્યુ.કમિશનરે જીલ્લા કલેકટર સાથે જરૂરી પત્ર વ્યવહારો પણ કરેલ છે.અને ખાસ કિસ્સામાં અહી રોયલ્ટીને અપવાદ ગણવા ખાણ ખનીજને સુચના આપવાનો ઉલ્લેખ પણ પત્ર માં કરવામાં આવ્યો છે.