Mysamachar.in-રાજકોટ:
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઘણાં સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર હજારો અને લાખોની સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા હોય છે. આ ફોલોઅર્સને તેઓ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવતા હોય છે અને બદલામાં એપ્લિકેશનના માલિકો પાસેથી તગડું કમિશન મેળવતા હોય છે. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે આ પ્રકારના બે ઈન્ફલુએન્સરની અટકાયત કરી છે.
યુવાધનને ઓનલાઈન ગેમિંગ મારફતે જૂગારના રવાડે ચડાવતા રાજકોટના 2 સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરની સ્થાનિક પોલીસે અટકાયત કરી છે. રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોનિટરીંગ ટીમે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના મોનિટરીંગ દરમ્યાન ઈન્સ્ટાગ્રામ પર 2 શંકાસ્પદ ID શોધી કાઢી, આ ID ઓપરેટ કરતાં 2 ઈન્ફલુએન્સરની ધરપકડ કરી છે.

આ 2 ઈન્ફલુએન્સરના નામો ધાર્મિક જગશી વાઘાણી અને દીપ મનોજ ગોસ્વામી છે. જેમની પૂછપરછના હેતુ સાથે અટકાયત કરવામાં આવી છે. બંનેના મોબાઈલમાં એવા ID ઓપન હતાં, જેના મારફતે ઓનલાઈન ગેમિંગ જૂગાર રમી તથા રમાડી શકાય. આ બંને શખ્સ આ ઓનલાઈન ગેમિંગ જૂગારની લિંકનું પ્રમોશન કરતાં હતાં અને બદલામાં ચાર્જ પણ વસૂલ કરતાં હતાં.
આ પ્રકારના IDનો ઉપયોગ કરીને જેટલાં લોકો જૂગાર રમતાં હોય તેમનામાંથી આ ઈન્ફલુએન્સરને કમિશન મળતું હોય છે. આ પ્રકારના જૂગારમાં મોટાભાગે યુવાઓ જૂગાર રમવાની આદત ધરાવતા હોય છે અને આ જૂગારની લિંકનું પ્રમોશન કરી આ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર લાખો રૂપિયા કમિશન મેળવતા હોય છે.