Mysamachar.in-જામનગર:
જામનગરમાં ગુલાબનગર નજીકની ડમ્પિંગ સાઈટ પર અગાઉ કચરાના ઢગ ખડકાતા, જેને કારણે દુર્ગંધની સમસ્યાઓ તેમજ વાડીખેતરોના માલિકો દ્વારા વિરોધવંટોળ થતો. આથી, શહેરના ગાંધીનગર વિસ્તારમાં એક ખાનગી કંપની હસ્તક વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો અને એ રીતે શહેરના ઘનકચરાનો નિકાલ થતો હતો. પરંતુ આ પ્લાન્ટ રહસ્યમય કારણોસર બંધ થઈ જતાં કચરા નિકાલ મામલે હતાં ત્યાં ને ત્યાં જેવી સ્થિતિઓ ઉભી થઈ છે અને અધૂરામાં પૂરૂં મહાનગરપાલિકાએ હાલ વધુ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
ગાંધીનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ થઈ ગયો છે અને ફરી શરૂ થશે કે કેમ, એ અંગે કોઈ સત્તાવાર વિગતો બહાર આવી રહી નથી. આ સ્થિતિઓને કારણે હાલ મહાનગરપાલિકાએ દરરોજ શહેરનો આશરે 350 ટન જેટલો ઘનકચરો ફરીથી ગુલાબનગર નજીકની ડમ્પિંગ સાઈટ પર ઠાલવવો પડે છે. આ લોકેશન શહેરથી દૂર હોવાને કારણે મહાનગરપાલિકાએ અહીં કચરો ઠાલવવા વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.
બીજો મુદ્દો એ છે કે, આ ડમ્પિંગ સાઈટ પર મહાનગરપાલિકાએ એક અન્ય કંપનીને ઘન કચરાના વર્ગીકરણ અને નિકાલ માટેની કામગીરીઓ સોંપી છે અને એ માટે મહાનગરપાલિકાએ આ કંપનીને કરોડો રૂપિયા આપવા પડે છે. હવે અહીં કચરાના નવા ઢગલા સર્જાતા મહાનગરપાલિકાએ આ કંપનીને કચરા નિકાલ માટે વધુ મોટી રકમો ચૂકવવી પડશે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ ડમ્પિંગ સાઈટ પર કચરાના મોટા ઢગલાને કારણે આ વિસ્તારમાં ભારે દુર્ગંધની સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત પવનને કારણે આ કચરો ઉડી આસપાસના વાડીખેતરોમાં જતો હોય, ખેડૂતો દ્વારા વિરોધ પણ થતો હોય છે. ભૂતકાળમાં આમ અનેકવખત બનેલું છે. આ ઉપરાંત આગામી મહિનાઓમાં ચોમાસુ આવશે. ત્યાં સુધીમાં ગાંધીનગરનો પ્લાન્ટ ફરી કાર્યરત નહીં થાય અને તેથી જો કચરો આ ડમ્પિંગ સાઈટ પર જ ઠલવાતો રહેશે તો, વરસતા વરસાદમાં સ્થિતિઓ વધુ કઠિન બનશે. કચરો પાણીની સાથે આસપાસ ફેલાશે અને કચરો ભીનો થવાથી દુર્ગંધ પણ નાક તથા માથું ફાડી નાંખે એવી થઈ જશે. આ બધી શકયતાઓ ધ્યાન પર લઈ વહેલામાં વહેલી તકે ગાંધીનગર પ્લાન્ટ ફરી કાર્યરત થઈ જાય એ દિશામાં પ્રયાસ થવો જરૂરી છે. જેથી અન્ય સમસ્યાઓ સાથે મહાનગરપાલિકા વધારાની આર્થિક નુકસાનીમાંથી પણ બચી શકે. અત્રે અચરજની વાત એ છે કે, છેલ્લા એક મહિનાથી કચરામામલો મોટી બાબત બની ગઈ હોવા છતાં, મહાનગરપાલિકા કક્ષાએ કયાંય, કશો સળવળાટ નથી !