Mysamachar.in-જામનગર:
જામનગરના ગાંધીનગર વિસ્તાર નજીક કોર્પોરેશનની જમીન પર વેસ્ટ ટુ એનર્જી કોન્સેપ્ટ અંતર્ગત એબેલોન નામની ખાનગી કંપની કચરામાંથી વીજળી બનાવી રહી છે, તે પ્લાન્ટ એક મહિના જેવા લાંબા સમયથી બંધ હોવા છતાં આ અંગે મહાનગરપાલિકા કે કંપની દ્વારા કોઈ જ સત્તાવાર વિગતો હજુ સુધી નગરજનોની જાણ સારૂ મૂકવામાં આવી નથી.
દરમ્યાન, આ પ્લાન્ટ બંધ હોવા બાબતે Mysamachar.in દ્વારા જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી GB ભટ્ટ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પ્લાન્ટ હાલમાં બંધ છે. પ્લાન્ટનો પરવાનો મહાનગરપાલિકાએ રિન્યુ કરી આપ્યો નથી. પ્લાન્ટ શરૂ થયે અમો GPCBને જાણ કરીશું એવું આ કંપનીએ લેટર દ્વારા GPCBને જણાવ્યું છે. અધિકારીએ એમ પણ ઉમેર્યું કે, આશરે દસેક દિવસ અગાઉ કંપનીએ આ પત્ર GPCBને મોકલ્યો છે.
આ પ્લાન્ટ બંધ હોવા સંબંધે એબેલોન કંપનીએ મહાનગરપાલિકાને લેખિતમાં કોઈ જ જાણકારીઓ આપી નથી એમ જણાવી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, આ કંપનીએ આ પ્લાન્ટ સંબંધે મહાનગરપાલિકા સાથે લાંબા સમયગાળાનો કરાર કરેલો હોય, પરવાનો રિન્યુ કરાવવા જેવો કોઈ મુદ્દો જ ઉપસ્થિત થતો જ નથી.

આ જ મુદ્દા પર Mysamachar.in દ્વારા કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ ઈજનેર કેતન કટેશિયા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવતાં એમણે જણાવ્યું કે, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવાથી કોર્પોરેશને શહેરનો તમામ ઘન કચરો દરરોજ છેક ગુલાબનગર નજીકની ડમ્પિંગ સાઈટ પર પહોંચાડવો પડે છે, આથી મહાનગરપાલિકાને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તેવું આ અધિકારી ખુદ જણાવે છે
ખૂબીની વાત એ પણ છે કે, આવડો મોટો પ્લાન્ટ ચર્ચાઓ મુજબ, જો શટડાઉનના કારણોસર હાલ બંધ છે તો તે બાબતે સત્તાવાર જાહેરાત કેમ, કોઈ પણ લેવલેથી નગરજનોની જાણમાં મૂકવામાં આવી નથી. અને, સૂત્ર એમ પણ કહે છે કે, આ પ્લાન્ટ હવે ભવિષ્યમાં ફરી ચાલુ થશે કે કેમ, અને ચાલુ થશે તો ક્યારે થશે- એ અંગે કોઈ, કંપની ખુદ પણ, કશું જણાવી શકવાની સ્થિતિઓમાં નથી ! આ સ્થિતિઓમાં, જામનગરનો રોજેરોજનો આશરે 350 ટન જેટલો ઘન કચરો ડમ્પિંગ સાઈટ પર જ ઠલવાતો રહેશે ? એ પંથકમાં ભૂતકાળમાં અનેક વખત આ કચરાના ઢગલા મામલે વિરોધ વિવાદ થયા છે- એ પણ ઉલ્લેખનિય છે.(ફાઈલ તસ્વીર)