Mysamachar.in-જામનગર:
જામનગરની રંગમતી નદી વર્ષોવર્ષ સાંકડી અને છીછરી બની રહી છે અને બીજી તરફ અગાઉના વર્ષોની સરખામણીએ જામનગરમાં હમણાંના વર્ષોમાં બમણાં કરતાં વધુ વરસાદ વરસી રહ્યો હોય- શહેરમાં લગભગ દર ચોમાસે વરસાદી પૂરની સ્થિતિઓ સર્જાઈ રહી છે અને લાખો લોકો પૂરની સ્થિતિઓનો ‘શિકાર’ બની રહ્યા છે. આ માટે સમગ્ર રાજ્યમાં સરકાર તરફથી સૌથી વધુ પૂરસહાય (રૂ. 25 કરોડ જેટલી)જામનગરને આપવી પડે છે.
હાલમાં જામનગરની નદી ચર્ચાઓમાં છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટની બિનસતાવાર વાતો હવામાં ફંગોળાઈ રહી છે. કરોડોના આંકડાઓ શબ્દોના રૂપમાં હવામાં તરી રહ્યા છે. દરમ્યાન, સત્તાવાર જાહેરાત થઈ કે, હાલમાં નદીમાં જે કામગીરીઓ ચાલી રહી છે એ કામગીરીઓ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવતી સુજલામ સુફલામ યોજનાની કામગીરીઓ છે.

ગઈકાલે ગુરૂવારે બપોરે કમિશનર ડી.એન.મોદીએ અન્ય અધિકારીઓની ટીમને સાથે રાખી, નદીના પટમાં ચાલતી કામગીરીઓનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. કમિશનરે જણાવ્યું કે, નદીને ઉંડી ઉતારવી- નદીને પહોળી બનાવવી અને નદીના પટમાંથી કાંપ તથા કચરો હટાવવો- આ કામગીરીઓ જામનગરમાં ઘણાં વર્ષોથી થઈ નથી. આ ઉપરાંત છેલ્લા કેટલાંક વર્ષોથી જામનગરમાં સરેરાશ અગાઉના વર્ષો કરતાં બમણાંથી વધુ વરસાદ વરસી રહ્યો છે. આથી પૂરની પરિસ્થિતિઓ જોવા મળે છે.
કમિશનર ડી.એન.મોદીએ કહ્યું: આ બધી બાબતો ધ્યાન પર લઈ રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત, એ પદ્ધતિઓ મુજબ જામનગરમાં નદીમાં હાલ કામગીરીઓ કરવામાં આવી રહી છે. તે માટે સંખ્યાબંધ હીટાચી મશીન સહિતના યંત્રો અને સાધનો તથા વાહનો કામે લગાડવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ નદી ઉંડી અને પહોળી બનવાથી આ નદીમાં ચોમાસા દરમિયાન વધારાના 15-17 કરોડ લિટર પાણીનું વહન અને સંગ્રહ થઈ શકશે, જેથી પૂર નિયંત્રણ પણ થઈ શકશે. આ ઉપરાંત ભૂગર્ભજળનું સ્તર ઉંચુ આવશે.
મહત્વનું છે કે, થોડા સમય અગાઉ જામનગર મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓએ CMની મુલાકાત લીધી હતી. CM સમક્ષ જામનગરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવા માંગ પણ કરી હતી. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે, આ મુલાકાત પછી રાજ્ય સરકાર કે મહાનગરપાલિકા કોઈના પણ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે, આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. દરમ્યાન, નદીના સ્થળ નિરીક્ષણ સમયે ખુદ કમિશનર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે એક પણ શબ્દ બોલ્યા ન હોય, નગરજનો હવે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વાતોને અલગ ઢંગથી નિહાળી રહ્યા છે.