દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે એક આસામીના ઘરે લગ્ન પ્રસંગ હોય, અહીં પરિવારજનો, વિગેરે દ્વારા બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરી, ખુશી મનાવતા આ સંદર્ભે પોલીસ દ્વારા પાંચ આસામીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લાખાભાઈ ઓસમાણભાઈ થૈયમ નામના એક આસામીના પુત્રના લગ્ન હતા. ત્યારે ગત તારીખ 25 ફેબ્રુઆરી 2019 ના રોજ આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેલા મોટી સંખ્યામાં પરિવારજનો, મહેમાનોની સાથે ગુરગઢ ગામના બસીર હોથીભાઈ સુમારભાઈ થૈયમ નામના શખ્સએ તેની પાસે કોઈપણ પ્રકારનો પરવાનો ન હોવા છતાં બલબેરલ બંદૂક (અગ્નિશસ્ત્ર) વડે હવામાં ફાયરિંગ કર્યું હતું અને તેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિતિમાં ગેરકાયદેસર રીતે બેદરકાર રહી અને આમ જનતામાં ભયનું વાતાવરણ ફેલાય અને અન્ય લોકોની સલામતી જોખમાય તે રીતે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ સાથે લાખાભાઈ ઓસમાણભાઈ નથુભાઈ થૈયમએ પણ પોતાના પાક રક્ષણ હથિયારને આરોપી બસીર હોથીભાઈને હવામાં ફાયરિંગ કરવા માટે આપી, હથિયાર પરવાનાની શરતોનો ભંગ કરતા ઉપરોક્ત બંને આસામીઓ સામે જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ફરિયાદી બની અને હથિયારધારાની જુદી જુદી કલમ હેઠળ ધોરણસર ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

અન્ય એક ફરિયાદમાં પોલીસે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરી અને ભયનું વાતાવરણ ફેલાવવા તેમજ અન્યની સલામતી જોખમાય તે રીતે કૃત્ય કરવા બદલ હરદાસ હાજાભાઈ ડોસાભાઈ સુવા, સુલેમાન ઓસમાણભાઈ નથુભાઇ થૈયમ અને હાજીભાઈ ઓસમાણભાઈ આમદભાઈ રૂંઝા સામે પણ ધોરણસર ગુનો નોંધ્યો છે. ત્યારે આશરે છ વર્ષ પૂર્વેના લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ પ્રકરણમાં ગઈકાલે ગુરુવારે નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસે આરોપીઓની અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.(પ્રતિકાત્મક તસ્વીર)