Mysamachar.in-જામનગર:
કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે, બપોરના સમયે જામનગરનું મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રીના આંકડા નજીક છેક પહોંચી જતું હોય છે. બીજી તરફ, તરણકળા શીખવા ઈચ્છતા તરૂણો તથા યુવાઓ વગેરે સહિતના હજારો નગરજનો એ ઈંતઝારમાં છે કે, નગરનો કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ શરૂ ક્યારે થશે ? ધુબાકા મારવા ક્યારે મળશે ?
જામનગર કોર્પોરેશન સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આવેલો સ્વિમિંગ પુલ ગત્ ફેબ્રુઆરીએ બંધ થયા બાદ હજુ સુધી ફરી લોકો માટે ખુલ્લો મૂકી શકાયો નથી. આ સંકુલમાં ઈન્ચાર્જ સ્પોર્ટ્સ મેનેજર તરીકે કાર્યરત અજય ગુસાણીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, દર વર્ષે સામાન્ય રીતે આ સ્વિમિંગ પુલ ફેબ્રુઆરી તથા માર્ચ દરમિયાન બંધ રાખવામાં આવે છે પરંતુ આ વખતે કેટલુંક સમારકામ કરાવવામાં આવ્યું હોય હજુ પણ આ પુલ થોડા દિવસ બંધ રાખવો પડશે.
એમણે જણાવ્યું કે, અહીં કેટલીક ટાઈલ્સ તૂટી ગઈ હતી તે બદલાવવામાં આવી છે અને લોકો માટે બેસવા બાંકડા નવા લગાવવામાં આવ્યા છે. આગામી પહેલી મે થી લોકો આ સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તરણ શીખવા ઈચ્છતા ઘણાં બાળકો, તરૂણ, યુવાઓ તથા અન્ય નગરજનો આ સ્વિમિંગ પુલ ફરી શરૂ થઈ જાય તેનો ઈંતઝાર કરી રહ્યા છે.
