Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સંતાનો એક પણ રૂપિયો ફી ભર્યા વિના ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે, સરકાર RTE કાયદા અંતર્ગત આ પૈકીના અમુક બાળકોને ખાનગી શાળાઓમાં દર વર્ષે પ્રવેશ આપે છે અને આ બાળકોની ફી સરકાર ખાનગી શાળાઓને ચૂકવે છે. આ વર્ષે RTE માટેના ફોર્મ દાખલ કરવાનો સમય પૂર્ણ થતાં, જામનગર સહિતના સેન્ટરમાં કેટલાં ફોર્મ રજૂ થયા, તેની આંકડાકીય માહિતીઓ જાહેર થઈ છે.
RTE અંતર્ગત જામનગર શહેરમાં વધુમાં વધુ 737 બાળકોને દર વર્ષે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપી શકવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જો કે તેની સામે આ વર્ષે 4,698 વાલીઓએ પોતાના સંતાનો માટે આ ફોર્મ ભર્યા. આ ફોર્મ પૈકી 3,276 ફોર્મ માન્ય રહ્યા છે. પરંતુ શાળાઓમાં આ માટેની વ્યવસ્થાઓ માત્ર 737 બેઠકની જ હોવાથી આ 3,276 માન્ય ફોર્મ પૈકી 2,539 બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપી શકાશે નહીં. એમણે સરકારી શાળાઓમાં જ શિક્ષણ લેવાનું રહેશે.
આ જ રીતે, જામનગર શહેરને બાદ કરતાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે સરકારે ખાનગી શાળાઓમાં કુલ 1,260 બેઠક RTE મારફતે ભરવા અલગ રાખી છે. પરંતુ તેમાં પણ 2,572 ફોર્મ રજૂ થયા. જે પૈકી 1,787 ફોર્મ માન્ય રહ્યા છે. એટલે કે, ગ્રામ્ય વિસ્તારોના 527 બાળકો RTE પ્રવેશથી વંચિત રહેશે. આમ, શહેર અને જિલ્લામાં કુલ મળી 3,066 ગરીબ અને મધ્યમવર્ગીય બાળકો આ વર્ષે RTE પ્રવેશ મેળવી શકશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, દ્વારકા શહેર અને જિલ્લામાં RTE ની કુલ બેઠકો 719 છે. તેની સામે RTE પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકોની સંખ્યા 2,094 છે. જો કે તે પૈકી 1,502 બાળકોના જ ફોર્મ માન્ય રહ્યા. આથી દ્વારકા જિલ્લામાં 783 બાળકો ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહેશે.(symbolic image)
