Mysamachar.in-જામનગર:
જામનગર મ્યુ. કમિશનર ડી.એન.મોદીએ જાહેર નોટિસ દ્વારા વાહનચાલકોની જાણ માટે શહેરના 2 રસ્તાઓ અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જેમાં અંબર ચાર રસ્તા જંકશન અને નાગનાથ જંકશનનો સમાવેશ થાય છે.
કોર્પોરેશનની જાહેર નોટિસમાં જણાવ્યા અનુસાર, શહેરમાં ફ્લાયઓવર નિર્માણ કામગીરીઓ ચાલી રહી હોય, આવતીકાલ તા. 18 એપ્રિલથી 30 મે સુધી અંબર ચાર રસ્તા જંકશન પર વાહનોની અવરજવર બંધ રહેશે. જેના ડાયવર્ઝન રૂટ મુજબ વાહનો અંબર ચાર રસ્તા પરથી જૂના રેલ્વે સ્ટેશન ગાળા તરફ જઈ શકશે. ત્યાંથી ત્રણ બતી તરફ જઈ શકાશે. આ ઉપરાંત નાગનાથ જંકશનથી અંબર ચાર રસ્તા જંકશન તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હોય, આ વાહનો ICICI બેંક તરફના ગાળા મારફતે અંબર સિનેમા તથા જીજી હોસ્પિટલ તરફ જઈ શકાશે.
એ જ રીતે, 30મે સુધી સુભાષબ્રિજથી નાગનાથ જંકશન સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હોય, સુભાષબ્રિજથી નાગનાથ ગેઈટ થઈ નાગનાથ જંકશન જઈ શકાશે. નાગનાથ ગેઈટથી નાગનાથ જંકશન થઈ અંબર જંકશન, સ્વામી નારાયણનગર તથા સુભાષબ્રિજ તરફનો આવકજાવકનો માર્ગ બ્રિજ નીચેના ગાળા મારફતે ચાલુ રહેશે.
