Mysamachar.in-જામનગ:
જામનગરમાં સરૂ સેકશન રોડ નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેના વિસ્તારમાં મહાનગરપાલિકાએ સાતેક વર્ષ અગાઉ બનાવેલી આવાસ યોજના ‘સરલાબેન ત્રિવેદી આવાસયોજના’ ના કોમર્શિયલ બાંધકામના કોમન પાર્કિંગમાં ઘણાં સમયથી એક દુકાનના માલિકે દુકાન ભાડે આપેલી, જ્યાં ભાડૂઆત દ્વારા વાહનો માટેનું સર્વિસ સ્ટેશન ધમધમતું હતું. આ મુદ્દે કોર્પોરેશનમાં રજૂઆત થયા બાદ આ દબાણ હટાવવામાં આવ્યું છે.
આ મામલે જેતે સમયે મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીએ સ્થળ તપાસ કરી હતી અને બાદમાં દુકાનના માલિકને આ અંગે નોટિસ પણ આપી હતી. આ મામલે બાજુની 13 નંબરની દુકાનના માલિક નરેન્દ્રસિંહ જામભા જાડેજાએ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી અને આ રજૂઆતના આધારે ગત્ આઠમી એપ્રિલે સ્લમ હાઉસિંગ શાખાએ એસ્ટેટ શાખાને પત્ર લખી આ સર્વિસ સ્ટેશનનું સ્ટ્રક્ચર હટાવવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આવાસયોજનાની દુકાનમાં કે દુકાનની બહાર વાહનો માટેનું ગેરેજ કે સર્વિસ સ્ટેશન વગેરે કેટલાંક વ્યવસાયો મહાનગરપાલિકાના નિયમો અંતર્ગત પ્રતિબંધિત છે.
આજે સવારે કોર્પોરેશનના સ્લમ આવાસ વિભાગના નાયબ ઈજનેર અશોક જોષીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આ સર્વિસ સ્ટેશન મામલે કોર્પોરેશન દ્વારા નોટિસ બાદ રોજકામ કરવામાં આવેલું અને ત્યારબાદ આ સ્ટ્રક્ચર હટાવી દેવામાં આવ્યું છે.જો કે અહી મહત્વની બાબત એ પણ છે કે આવાસના દસ્તાવેજો વખતે જે શરતો દસ્તાવેજમાં મુકવામાં આવી છે તે શરતો પૈકી આવું સર્વિસ સ્ટેશન એ શરતનો ભંગ ગણાય તે અંગે કાર્યવાહી કરવા અરજદારની રજૂઆત છે.