Mysamachar.in-જામનગર:
રાજ્યના વીજતંત્રમાં 4 વર્ષ અગાઉ વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ થયું હતું એવી રજૂઆત થતાં ફરિયાદ અને તપાસ થયેલી જેને અંતે વડી કચેરીએ કેટલાંક વીજકર્મીઓને છૂટાં કરવાનો આદેશ આપ્યો હતો.પીજીવીસીએલ દ્વારા આ આદેશનો અમલ ગત્ બીજી એપ્રિલના રોજ કરવામાં આવ્યો અને એકસાથે 29 જૂનિયર આસિસ્ટન્ટને નોકરીમાંથી કાયમી પાણીચું આપી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ હુકમની સત્તાવાર જાહેરાત હવે કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021માં વિદ્યુત સહાયકની આ પરીક્ષા રાજ્યના ચાર મોટા શહેરોમાં લેવામાં આવી ત્યારે, સુરત ક્રાઇમ બ્રાંચમાં એવી ફરિયાદ દાખલ થયેલી કે પરીક્ષાઓમાં ગેરરીતિઓ થઈ છે. રાજકોટ કેન્દ્રમાં આ પરીક્ષા ખાનગી કંપની સક્સેસ ઈનફોટેક દ્વારા લેવામાં આવી હતી. તપાસના અંતે વડી કચેરીએ આ 29 વીજકર્મીઓને છૂટા કરવાનો આદેશ આપેલો અને આ આદેશની અસર માર્ચ-2024થી આપવામાં આવી હોય, આ છૂટાં કરાયેલા કર્મીઓનો હિસાબ પણ તંત્ર દ્વારા થશે.
આ કૌભાંડમાં જામનગર જિલ્લાના બે કર્મચારીઓ છે, જે પૈકી એક મહિલા છે. જેમના નામ પ્રકાશ નંદાણીયા (જામજોધપુર) અને રૂપલ મારૂ (લાલપુર) છે. આ કૌભાંડમાં સૌથી વધુ કર્મચારીઓ સુરેન્દ્રનગરના 8 છે. આ કૌભાંડમાં ઉમેદવારો પાસેથી રૂ. 10-15 લાખનો ‘વહીવટ’ થયાના આક્ષેપ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલામાં જેતે સમયે પરીક્ષા કેન્દ્રના ખાનગી માલિક, કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ સહિત કુલ 12 શખ્સો વિરુદ્ધ FIR થયેલી.