Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલમાં ‘બધું બરાબર’ છે એવો પ્રચાર કાયમ માટે પ્રાયોજિત પદ્ધતિએ ચાલતો રહે છે. બીજી તરફ દીવા જેવી સ્પષ્ટ હકીકત એ છે કે, મેડિકલ કોલેજ અને હોસ્પિટલના આ સમગ્ર સંકુલમાં હજાર જાતના લોચા અને બબાલ ચાલતાં જ રહે છે, જે થોડા થોડા સમયે, રોકવાના સતાધીશોના લાખ પ્રયાસ પછી પણ, બહાર આવી જ જાય છે. આવો વધુ એક વિવાદ આઉટસોર્સ કર્મચારીઓ સંબંધે આ સંકુલમાં સળગી રહ્યો છે, જો કે સત્તાવાળાઓ તો આજે પણ ‘બધું બરાબર’નું ગીત ગાઈ રહ્યા છે.
જીજી હોસ્પિટલ સહિતના આ સંકુલમાં એમ.જે.સોલંકી નામની એક કોન્ટ્રાક્ટર એજન્સી વર્ષોથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે અને અહીં અલગઅલગ વર્ગના આઉટસોર્સ કર્મચારીઓ પૂરાં પાડે છે. આ એજન્સીને ગાંધીનગર મૂળ મજબૂત હોવાથી આ એજન્સીની દાદાગીરી કોઈ કયારેય અટકાવી શક્યું નથી. અને, હોસ્પિટલ સત્તાવાળાઓ તો આ એજન્સીને ‘શરણે’ હોય એ રીતે કયારેય, એકેય વિવાદમાં કશું બોલતા જ નથી.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, ખુદ તબીબી અધિક્ષક કચેરીએ આ એજન્સી યોગ્ય રીતે કામ કરે તે માટે હોસ્પિટલના તમામ વિભાગોના વડાને લેખિત સૂચનાઓ આપવી પડી છે. આ હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારીઓની હાજરી તથા ગેરહાજરીના પુષ્કળ લોચા ચાલે છે. જે બાબતો સીધી જ નાણાંકીય બાબતો સાથે સંકળાયેલી હોય છે, આથી આર્થિક બાબતોમાં અહીં અનેકજાતના લોચા ચાલે છે.
ખુદ તબીબી અધિક્ષક કચેરીએ લેખિતમાં કહેવું પડ્યું છે કે, આઉટસોર્સ કર્મચારીઓને સાપ્તાહિક રજા મળવાપાત્ર છે. આમ શા માટે લખવું પડે છે, અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર એજન્સીને આ ખબર નથી ?! દર મહિને ‘હાજરી’ સંબંધે લોચા ચાલે છે. પરચૂરણ રજાની બાબતોમાં પણ હિસાબોમાં લાલિયાવાડીઓ હોવાના સંકેતો મળી રહ્યા છે. તમામ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી બાબતે પણ ધાંધિયા છે. ઘણાં કર્મચારીઓનું આ માટે રજિસ્ટ્રેશન પણ થયું નથી. પગાર અને વહીવટી પ્રશ્નો પારાવાર હોવાનું પણ સૂત્ર કહે છે.
-હોસ્પિટલના તબીબી અધિક્ષક કહે છે…..
આજે મંગળવારે સવારે આ પ્રકારના વિવાદો સંબંધે સત્તાવાર વિગતો માટે Mysamachar.in દ્વારા તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના કહેવા મુજબ, બધું રૂટિન મુજબ ચાલી રહ્યું છે. હાજરી, પગાર વગેરે બાબતો અંગે અમે રૂટિન સૂચનાઓ આપતા હોઈએ છીએ, રૂટિન અનુસાર ઓડિટ વગેરેની સૂચનાઓ આપવામાં આવતી હોય છે.
ટૂંકમાં, તબીબી અધિક્ષકના કહેવા અનુસાર, આગળ કહ્યું એમ ‘બધું બરાબર’ ચાલી રહ્યું છે ! તો પછી પ્રશ્ન એ છે કે, હોસ્પિટલમાં થોડા થોડા સમયના અંતરે વિવાદો શા માટે ઉભા થઈ રહ્યા છે. શા માટે તબીબી અધિક્ષકે લેખિતમાં લાંબા પરિપત્ર બહાર પાડી સૌને સૂચનાઓ આપવી પડે છે ?! આટલો બધો ધૂમાડો છતાં, સત્તાવાળાઓ ‘આગ’નો ઈન્કાર કરી કોન્ટ્રાક્ટર એજન્સીને છાવરી રહ્યા છે ? આઉટસોર્સ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે ? સત્તાવાળાઓ આ પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓ દબાવી શા માટે દયે છે ?!