Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓ સર્જી રહ્યો છે. એમાંયે બાળકોની આંખો પર મોબાઈલની જે અસરો દેખાઈ રહી છે તે બાબતમાં આમ તો આખા રાજ્યમાં ચિંતાઓ છે પરંતુ જામનગર સહિતના 3 જિલ્લાઓમાં આ ચિંતાઓ વધુ પ્રમાણમાં છે.
મોબાઈલ આજના જમાનામાં ઉપયોગી છે પરંતુ તેની માઠી અસરો હવે સામે આવી રહી છે. મોબાઈલના વધુ ઉપયોગની ખાસ કરીને બાળકોમાં ઘેરી અસરો જોવા મળી રહી છે. આંખ ત્રાંસી થવી, વિઝન નબળું પડવું, આંખો સૂકી થઈ જવી, બાળકોના માનસમાં ચિડીયાપણું, આંખોમાં રતાશ દેખાવી અને પોઝિટીવ નંબર આવી જવા- એ પ્રકારની ફરિયાદો સમગ્ર રાજ્યમાં બાળકોમાં વધી રહી છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આંખો ત્રાંસી થઈ જવાના કેસ 21 ટકા નોંધાયા છે. વિઝન નબળું પડવાના કેસ 25 ટકા આસપાસ થયા છે. અત્યારે એવું જોવા મળે છે કે, બાળક રડે કે જિદ કરે એટલે માબાપો તેને મોબાઈલ પકડાવી દે છે. સમય જતાં બાળકને મોબાઈલનું વ્યસન થઈ જાય છે અને તેની ગંભીર અસરો બાળકોમાં દેખાવા લાગે છે.
સામાન્ય રીતે, બાળકો અને મોટેરાં પણ મોબાઈલ એકીટશે નિહાળતા હોય છે. આંખ પલકારો પણ નથી મારતી. આથી આંખના તમામ સ્નાયુ પર તણાવ આવે છે. તેનાથી શરૂમાં આંખો અને માથું દુ:ખવાની ફરિયાદો ઉભી થઈ રહી છે. પછી આંખો સૂકી થઈ જાય છે. ઘણાં બાળકોને આંખમાં નંબર હોય, બાળક જણાવી શકે નહીં અને માબાપો આવી બાબતોમાં ઓછા જાગૃત હોય છે, જેને કારણે આવા બાળકો મોબાઈલ જૂએ ત્યારે તેમની આંખો વધુ ખેંચાતી હોય છે.
આંખના નિષ્ણાંત કહે છે: બાળકને કુદરતી રીતે આંખમાં પોઝિટીવ નંબર આવેલો હોય અને કોઈ કારણથી આ બાળક ચશ્મા ન પહેરતું હોય તો ટીવી, મોબાઈલ કે કોમ્પ્યુટર પર જોતી વખતે તેની આંખ પર પ્રેશર આવવાથી આંખ ખેંચાય અને પછી આંખ ત્રાંસી થઈ જાય.
આવા નુકસાનથી બચવા ઓછામાં ઓછી દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર દ્રષ્ટિ કરવાથી આંખને રાહત મળે. સ્ક્રીન સમય મર્યાદિત રાખવો પડે. નાના બાળકના કેસમાં વધુ ધ્યાન આપવું પડે. મોબાઈલ તથા કોમ્પ્યુટર આંખથી ઓછામાં ઓછા દોઢ બે ફૂટ દૂર રાખવા જોઈએ.
એક સર્વે અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ પ્રકારના કેસની સંખ્યા 70 થી 600 વચ્ચે રહી છે. જામનગર, વાપી-વલસાડ અને પંચમહાલ જિલ્લાઓમાં આ કેસની સંખ્યા 1,000-1,000 રહી હોવાનું સર્વેના આંકડાઓ કહે છે.(symbolic image source:google)