Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ આજે મંગળવારે જાહેર કર્યું છે કે, શહેરમાં કયાંય પણ, કોઈ પણ બાંધકામ કરેલી જગ્યાઓ હોય કે જ્યાં 50 કે તેથી વધુ લોકો એકત્ર થતાં હોય, એવા બાંધકામના સ્થળો પર કોઈ પણ પ્રકારની અનિયમિતતાઓ કે ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ જાહેરાત સિટી ઈજનેર દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારના બાંધકામધારકોએ મહાનગરપાલિકાને ચોક્કસ પ્રકારની બાંહેધરી બોન્ડ પર આપવાની રહેશે.
મહાનગરપાલિકાએ જાહેર કરેલી વિગત અનુસાર, 50 થી વધુ વ્યક્તિઓ એકઠી થતી હોય તેવા બાંધકામ ધરાવતી નિયત થયેલી બિલ્ડીંગો માટે રાજ્ય સરકારે એક ખાસ SOP જાહેર કરી છે. આ SOPની અમલવારી જામનગર મહાનગરપાલિકાએ કરાવવાની છે.
આ SOP અનુસાર, જામનગર શહેરમાં આવેલ 50 થી વધુ વ્યક્તિઓ એકત્ર થતી હોય તેવી જગ્યાઓ જેવી કે, ગેમઝોન- હોસ્પિટલ- શૈક્ષણિક સંકુલો- સિનેમાઘરો- રેસ્ટોરન્ટ કે હોટેલ- બેન્કવેટ હોલ- કોમ્યુનિટી હોલ- ટયૂશન ક્લાસ- શોપિંગ મોલ તથા ધાર્મિક સ્થળો વગેરે બાંધકામોનો નિયમિત સમયાંતરે સર્વે કરી, સરકારમાં રિપોર્ટ સાદર કરવાનો થાય છે.
જે અંતર્ગત બાંધકામના અનુસંધાને જેતે માલિક કે વપરાશકારો દ્વારા બાંધકામ વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી, ફાયર સેફટીના ધારાધોરણો વગેરે નિયમાનુસાર મેળવેલ છે કે કેમ ? તે અંગેની અમલવારી થયેલી છે ? થઈ રહી છે કે કેમ ? તે અંગેની ચકાસણીઓ કરવાની થાય છે.
સરકારની આ SOP ના નોટિફિકેશન મુજબ, ઉપરોકત પ્રકારના તમામ બાંધકામધારકો અથવા વપરાશકારોએ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખામાં, નિયત ફી સાથેનું સ્ટેમ્પ પેપર નિયત બોન્ડના રૂપમાં બાંહેધરીખત તરીકે રજૂ કરવાનું રહે છે. આ બોન્ડનો નમૂનો JMCની વેબસાઈટ પર જોવા મળી શકે છે. વધુ માહિતી કે વિગત માટે ટાઉન પ્લાનિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરી શકાશે. દર વર્ષે જાન્યુઆરી તથા જૂલાઈ મહિનામાં આ બોન્ડ કોર્પોરેશનમાં જમા કરાવવાની જવાબદારીઓ ઉપરોકત બાંધકામધારકોની અથવા વપરાશકારોની છે, એમ સિટી ઈજનેર ભાવેશ જાનીની યાદીમાં જણાવાયું છે.