જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ તથા રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રભારી મંત્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે જામનગર જિલ્લાના તમામ ૬ તાલુકાઓ તથા સિક્કા અને જામજોધપુર નગરપાલિકાના વિકાસ કામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૬૫૮.૬૫ લાખના કુલ ૨૨૬ કામો તેમજ અનુસુચિત જાતિ જોગવાઇના રૂ.૯૭.૬૬ લાખના કુલ ૪૧ કામો તેમજ ૫% પ્રોત્સાહક જોગવાઈના રૂ.૧૨.૫૦ લાખના કુલ ૫ કામો મળી રૂ.૭૬૮.૮૧ લાખના ૨૭૨ કામોને મંજૂરી આપી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રીએ વિવેકાધીન ગ્રાન્ટ તથા સાંસદની ગ્રાન્ટના પ્રગતિ હેઠળના કામો, પૂર્ણ થયેલ કામો તથા શરૂ ન થયેલ કામોની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે વિસ્તારમા કયા કામોની જરૂરિયાત છે? કયા કામમાં શું અડચણ છે વગેરે માટે તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓએ જાગૃત રહેવું જરૂરી છે. અધિકારીઓએ લગત વિસ્તારના પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી સમયાંતરે આ વિકાસકામોની સમીક્ષા કરવી જોઈએ. વધુમાં મંત્રીએ પર્યાવરણની જાળવણી થાય તેમજ છેવાડાના લોકો સુધી આ વિકાસ કામોના લાભો સાચા અર્થમાં પહોંચે તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌને જણાવ્યું હતું. સાથે જ જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળના ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત વધુમાં વધુ જળસંગ્રહ થાય તે માટે પણ ઉત્સાહભેર કામગીરી કરવા મંત્રીએ બેઠકમાં અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લાના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટની ચુસ્ત અમલવારી કરવા તેમજ કોઈ ક્ષતિ ન રહે તે જોવા જણાવ્યું હતુ. સાથે જ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ શરૂ ન થઈ શકનારા કામોના કારણો તપાસી અમલીકરણ અધિકારીઓને તે અંગેની જરૂરી સમીક્ષા કરવા પણ સૂચન કર્યું હતું.