Mysamachar.in-ગાંધીનગર;
જામનગરની જીજી હોસ્પિટલ સહિતની તમામ શહેરી હોસ્પિટલોમાં આગ સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થાઓ બરાબર છે કે કેમ, તે બાબતની સમીક્ષાઓ રાજ્યના અર્બન આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલએ કરી છે. તેમણે વર્ચ્યુઅલ બેઠકમાં આ સમીક્ષાઓ કરી છે. દરેક હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક વાયરીંગ બરાબર છે કે કેમ, અને વીજનો જે વપરાશ છે તે પ્રમાણેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે કે કેમ, દરેક આરોગ્ય સંસ્થાઓ ઈલેક્ટ્રીક ઓડિટ કરાવે છે કે કેમ- વગેરે બાબતોની આ બેઠકમાં સમીક્ષાઓ થઈ. અર્બન હેલ્થ કમિશનરે તમામ આરોગ્ય સંસ્થાઓને સત્વરે ઈલેક્ટ્રીક ઓડિટ કરાવી લેવા તાકીદ પણ કરી છે. આગામી તા.૨૧ થી ૨૫ એપ્રિલ દરમિયાન ફાયર સેફટી સપ્તાહ ઉજવવામાં આવશે.
આરોગ્ય કમિશનર-અર્બન હર્ષદ પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટીની સુવિધાઓની વર્ચ્યુઅલ માધ્યમથી સમીક્ષા કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય કમિશ્નરે વિગતવાર સમીક્ષા બાદ અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
અર્બન આરોગ્ય કમિશનર હર્ષદકુમાર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આરોગ્ય સંસ્થામાં કાર્યરત ફાયર સેફ્ટી કમિટીને સમયાંતરે ફાયર સેફ્ટી ઓડિટ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આરોગ્ય સંસ્થાઓમાં ઇલેક્ટ્રીક લોડ અનુરૂપ વાયરીંગ છે કે કેમ? તેની ખાતરી કરવી તેમજ પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટના સંકલનમાં રહી ઇલેક્ટ્રીકલ ઓડિટ કરાવવા તાકીદ કરી હતી.
રાજ્યની હૉસ્પિટલોના ઇન્ટેન્સીવ કેર યુનિટ-ICU અને સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ-SNCUમાં ખાસ વાયરીંગની ચકાસણી કરવી, અશક્ત દર્દીઓ અને ICU-SNCUના દર્દીઓને તુરંત યોગ્ય સલામત સ્થળે ખસેડવા માટેનું પૂર્વ આયોજન સુનિશ્વત કરવા માટે પણ આરોગ્ય કમિશ્નરે સૂચના આપી હતી. આ ઉપરાંત આગની ઘટના સમયે શું કરવું અને શું ન કરવું તે દર્શાવતા પોસ્ટર લગાવવા તેમજ ફાયર એક્ઝિટ સંકેતો રાતમાં પણ સ્પષ્ટ દેખાય તેવા હોવા જોઇએ, તેમ તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય કમિશનરે આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના તમામ સાધનોની સમયાંતરે ચકાસણી અને રિન્યૂ કરાવવા તેમજ તમામ જગ્યાઓ પર જરૂરિયાત મુજબના ફાયર સેફ્ટી સાધનો ઇન્સ્ટોલ કરાવવા સૂચન કર્યું હતું. તેવી જ રીતે, ફાયર એન.ઓ.સી. છે કે નહીં તેની સમીક્ષા કરીને એન.ઓ.સી. સમયસર રિન્યૂ કરાવવા અને જો સમયમર્યાદા પૂર્ણ થઇ ગયેલ હોય તો તુરંત ફાયર એન.ઓ.સી. રિન્યૂ કરાવી લેવા તેમણે સૂચન કર્યું હતું.
તેમણે કહ્યું કે, પાણીના સંગ્રહ માટેની ટાંકીની યોગ્ય વ્યવસ્થા અંગે સમયાંતરે ચકાસણી કરવી, આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝિટ પ્લાનની અમલવારી કરવી, આગ લાગે ત્યારે બહાર નીકળવાના રસ્તાઓ કોઇપણ અડચણ વગર ખુલ્લા હોવા જોઇએ, ફાયર એક્ઝિટના દરવાજા બહારની તરફ ખુલે તેવા રાખવા જોઈએ તેમજ આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝિટ અંગે દર્દીઓ અને તેમના સગા-સંબંધિઓને પણ માહિતગાર કરવા સૂચનાઓ આપી હતી.
આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ, તેઓના તાબા હેઠળની મેડિકલ કોલેજ અને હોસ્પિટલો, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંન્દ્રો સહિત તમામ આરોગ્ય સંસ્થાઓના અધિકારીઓ જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ Mysamachar.in દ્વારા ઈલેક્ટ્રીક ઓડિટ અંગે જીજી હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે એવી હકીકત બહાર આવી હતી કે, ઈલેક્ટ્રીક ઓડિટ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ બહુ ગંભીર જણાતા નથી. હવે આ જ મુદ્દો ગાંધીનગરથી આદેશના રૂપમાં આવ્યો છે.