Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામથકની વનવિભાગની કચેરી ચર્ચાઓમાં આવી છે. આ કચેરી વિરુદ્ધ ચોંકાવનારી રજૂઆત કરનાર વ્યક્તિએ આ કચેરીના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં પોતાનો સંપૂર્ણ નગ્ન વીડિયો વાયરલ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. અરજદાર રાજેશ પરમારે પોતાનો સંપૂર્ણ નગ્ન વીડિયો વાયરલ કરીને જણાવ્યું છે કે, વનવિભાગની આ કચેરી સરકારની ગ્રાન્ટના નાણાંનું કલ્યાણ કરી નાંખે છે. ધ્રોલ ખાતે આવેલા મહત્વપૂર્ણ સ્થાન શહીદવનની યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. કાગળ પર ચિતરામણ કરવામાં આવે છે.
રાજેશ પરમાર દ્વારા ગાંધીનગર કક્ષાએ રજૂઆત થઈ છે. જેમાં જણાવાયું છે કે, વનવિભાગના અધિકારીઓ કચેરીમાં હાજર રહેતા નથી. શહીદવનમાં યુરીનલ બ્લોક વગેરેની સફાઈ થતી નથી, બિલો બારોબાર બની જાય છે. શહીદવન ફરતેની લોખંડની ગ્રીલની ગ્રાન્ટ ઘરભેગી કરવામાં આવી હોય તેવી પણ આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે.
વનવિભાગની આ કચેરીને છેલ્લા બે વર્ષ દરમિયાન મળેલી ગ્રાન્ટનો શું ઉપયોગ થયો તેની તપાસની માંગ કરવામાં આવી છે. મજૂરોના હાજરીપત્રકમાં તથા અહીં મજૂરોની હાજરીમાં ગોટાળા બહાર આવી શકે છે. બારોબાર બિલો બની જતાં હોવાની આશંકાઓ વ્યક્ત થઈ છે. શહીદવનમાં બાળકોને રમવાના સાધનો પૈકી અમુક સાધનો ભંગાર હાલતમાં છે.
આ ઉપરાંત રજૂઆતમાં કહેવાયું છે કે, શહીદવનમાં જેસીબી અને ટ્રેક્ટર જેવા વાહનોનો ઉપયોગ થાય છે કે માત્ર બિલો જ બને છે, તેની પણ તપાસ કરવી જોઈએ. અહીં સિકયોરિટી ગાર્ડ પણ હોતાં નથી. શહીદવનનું આકસ્મિક ચેકિંગ કરવાની જરૂર છે. ગાર્ડના બિલોમાં પણ ઘાલમેલની શંકાઓ છે. રાજેશકુમાર પ્રવિણભાઈ પરમારે આ સમગ્ર બાબતો અંગે તપાસની માંગ ઉચ્ચકક્ષાએ કરી છે. અને, આ કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ખુદનો નગ્ન વીડિયો વાયરલ કર્યો છે અને એ રીતે વિરોધ વ્યક્ત કર્યો છે.જો કે સમગ્ર મામલો તપાસ માંગી લેતો છે અને તે બાદ જ સત્ય સામે આવશે.