Mysamachar.in-જામનગર:
રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા, દરિયો ન ધરાવતા મથકોમાં ઉનાળાના પ્રારંભે જ મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી નોંધાઈ રહ્યું છે તેની સાથેસાથે જામનગર દરિયાકિનારાનું શહેર હોવા છતાં મહત્તમ તાપમાન બેત્રણ દિવસથી વધુ ઉંચુ થઈ રહ્યું છે. થોડા સમય અગાઉ જામનગરનું મહત્તમ તાપમાન 35-37 ડિગ્રી રહેતું હતું ત્યારબાદ, આ મહત્તમ તાપમાન વધીને 39 ડિગ્રી થઈ ગયું. ત્યારબાદ હવે આ તાપમાન 40 ડિગ્રી તરફ ગતિ કરતું થયું છે. અને, આ સિઝનમાં પ્રથમ વખત 39.5 ડિગ્રી નોંધાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગ પણ કહે છે કે, અરબી સમુદ્રના કિનારાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે. શુક્રવાર તથા શનિવારે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ અને રવિવારથી મંગળવાર દરમિયાન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.