Mysamachar.in-જામનગર:
જામનગર પંથકમાં વધુ એક વખત સૈન્યનું તાલીમી વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. એક પાયલોટનું મોત થયું અને અન્ય એક ઈજાગ્રસ્ત પાયલોટને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સળગતા ગોળા સમાન વિમાન માનવવસતિ અથવા IOCના તેલમથક પર પડ્યું હોત તો ? આ પ્રશ્ન પણ ધ્રૂજાવી દે તેવો છે. એરફોર્સ સત્તાવાળાઓએ ટ્વીટ દ્વારા સ્વીકાર કર્યો કે, વિમાન ઉડાન દરમિયાન ટેક્નિકલ ગરબડ સર્જાઈ હતી. અને, અકસ્માતનું એકઝેટ કારણ જાણવા કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ થયો છે.
લોકોમાં ચર્ચાઓ એ છે કે, સૈન્ય તાલીમ દરમિયાન વિમાન દુર્ઘટનાઓ વારંવાર શા માટે બની રહી છે ?! લાખો કરોડોના ખર્ચથી તૈયાર કરવામાં આવતા પાયલોટની જિંદગીઓ બચાવી શકવા, આ સમગ્ર પ્રોસેસમાં કોઈ સુધારાઓ ન થઈ શકે ? દાયકાઓથી આ પ્રકારની દુર્ઘટનાઓ અવારનવાર બની રહી છે ! જેની ઉચ્ચકક્ષાએ સમીક્ષાઓ નથી થતી ? ગત રાત્રીના બનેલ આ ઘટના બાદ જીલ્લા કલેકટર એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે જ એરફોર્સના અધિકારીઓ પણ સ્થળ પર પહોચી ચુક્યા હતા.