Mysamachar.in-જામનગર:
કેટલ પોલિસી (પશુ નિયમન અને નિયંત્રણ નીતિ) છેલ્લા કેટલાંક દિવસોથી જામનગરમાં વિશેષરૂપે અને મુખ્ય વિષય તરીકે ગાજી રહી છે. આ ગાજવીજ અયોગ્ય નથી. શહેરમાં રખડતાં પશુઓ પર સ્થાનિક સતામંડળનું નિયંત્રણ હોવું જ જોઈએ- શહેરની સાત લાખ કરતાં વધુની વસતિ વર્ષોથી આમ ઈચ્છી રહી છે કેમ કે, સાત લાખ કરતાં વધુ નગરજનો વર્ષોથી આ સમસ્યાઓથી પિડાઈ રહ્યા છે. નગરજનોના પ્રાણ પશુઓ હરી રહ્યા છે. અસંખ્ય અકસ્માતો પશુઓને કારણે થઈ રહ્યા છે અને મહાનગરપાલિકા રખડતાં પશુઓ મામલે કડક બને- એવું નગરજનો મહાનગરપાલિકા પર લાંબા સમયથી દબાણ લાવી રહ્યા છે. આ સ્થિતિઓ વચ્ચે જો મહાનગરપાલિકા કેટલ પોલિસીનો શહેરમાં કડક અમલ કરાવી શકે તો, એથી રૂડું બીજુ શું ? તંત્ર પર આ અમલના વિરોધમાં કયાંયથી પણ, કોઈના પણ દ્વારા ‘દબાણ’ ન આવે તો સારૂં.
જામનગર માટે આમ જૂઓ તો, કેટલ પોલિસી કોઈ જ નવી વાત નથી. દુ:ખની વાત તો એ છે કે, આ પોલિસીનો અમલ લાંબા વિલંબ પછી શરૂ થયો છે. પરંતુ દેર આયે, દુરસ્ત આયે એ કહેવત અનુસાર, કમ સે કમ હવે તો મહાનગરપાલિકાએ આ અમલ માટે જેટગતિએ આગળ વધવું જ જોઈએ કેમ કે, આ સૌના હિતની વાત છે. આટલાં વર્ષોથી નગરને ‘ઢોરનગર’ નું ટેગ ચોંટેલું છે, જે દૂર થવું જરૂરી છે.
કેટલ પોલિસીની વાત સૌ પ્રથમ 2023ના ઓક્ટોબરમાં, કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં પ્રકાશમાં આવેલી. આજે અઢાર અઢાર મહિનાના લાંબા સમય બાદ પણ શહેરના રસ્તાઓ પર અને સેંકડો વિસ્તારોમાં રખડતાં પશુઓનો ભયાનક ત્રાસ નગરજનો અનુભવી રહ્યા છે. કેટલ પોલિસીનો કડક અમલ હજુ આજે પણ થઈ શક્યો નથી. આથી હવે જ્યારે કોર્પોરેશનને શૂરાતન ચઢયું છે ત્યારે કોઈએ એમાં અવરોધ ઉભો ન કરવો જોઈએ. અને, પશુપાલકોને કોર્પોરેશને આ અમલ માટે ઘણાંયે મહિનાઓનો સમય આપ્યો જ હતો, હવે પશુપાલકોએ સમજી જવું જોઈએ, લાખો નગરજનોની જિંદગીઓ અને સુખાકારીનો સવાલ છે આ.
એપ્રિલ-2024માં મહાનગરપાલિકાએ આ પોલિસીના અમલ માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું ત્યારે, પશુપાલકોને 120 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો હતો જ. એ પછી પણ, સાત આઠ મહિના બીજા વીતી ગયા ! આટલાં લાંબા સમય દરમિયાન એક પણ પશુપાલકે પશુઓ રાખવા લાયસન્સ કે પરમિટ મેળવવા કોર્પોરેશનમાં એક પણ અરજી કરી નથી.!!
શહેરમાં તમારે નિશાળ ચલાવવી હોય કે મીઠાઈની દુકાન, તમારે હોસ્પિટલ ચલાવવી હોય કે ઘર પાસે પશુઓ રાખી દૂધાળો ધંધો કરવો હોય- સરકારના બધાં જ નિયમો અને કાયદાઓનું પાલન કરવું જ પડે. સરકારે જાહેર કરેલી બધી જ શરતોનું પાલન કરવું જ પડે. એ જ રીતે પશુપાલકોએ આજે નહીં તો, આવતીકાલે પશુઓ રાખવા લાયસન્સ અથવા પરમિટ લેવી જ પડશે. રાજ્ય સરકાર આ બાબતમાં કડક છે. કેમ કે, હાઈકોર્ટે રખડતાં પશુઓ મામલે એક કરતાં વધુ વખત સરકારને તથા બધી કોર્પોરેશનને ખખડાવી છે જ. જામનગરમાં પશુપાલકોએ તંત્રને સહયોગ આપવો જોઈએ. વિલંબનો સમય પૂર્ણ થયો. જો કે તો પણ ‘વચલો’ રસ્તો હજુ પણ શોધવા પશુપાલકોએ આ બાબતે શાસકપક્ષ સમક્ષ રજૂઆત કરી. જો કે આ બાબતમાં શાસકપક્ષ તંત્રને હવે ‘રૂક જાવ’ ન કહી શકે કેમ કે, ગાંધીનગરથી સરકારનું અને હાઈકોર્ટનું તંત્ર પર અમલ માટે દબાણ છે અને સાત લાખથી વધુ નગરજનો પણ ચાહે છે કે, શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ કાયમી માટે અને વહેલામાં વહેલી તકે દૂર થઈ જાય. જો કે આ મામલે નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતે પત્રકાર પરિષદમાં પણ સ્પષ્ટ કર્યું કે આ પોલીસીની અમલવારી તો થશે.