Mysamachar.in-જામનગર:
જામનગરની ક્રેડિટબુલ્સ કંપનીનું દગાબાજ કૌભાંડ માત્ર જામનગર પૂરતું નથી. આ કૌભાંડના તાર જુદાજુદા રાજ્યોમાં હોવાને કારણે કૌભાંડની દુનિયામાં આ કુંડાળાને ‘નેશનલ’નું ટેગ મળી જતાં કેન્દ્રીય એજન્સી ED પણ ધવલ સોલાણી પર ત્રાટકી. આ કૌભાંડના કમઠાણ વિદેશમાં પણ પથરાયેલા છે ! વિદેશમાં પણ નાણાંની હેરાફેરી થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જો કે જામનગરમાં આ કૌભાંડની તપાસમાં કોઈ નોંધપાત્ર વિગતો બહાર આવી નથી. અમદાવાદ અને ચેન્નાઈ ખાતે વિસ્તૃત રીતે તપાસ ચાલી રહી છે.
જામનગરમાં થોડા મહિનાઓ અગાઉ ક્રેડિટબુલ્સ નામની કંપનીનું કૌભાંડ ગાજી ઉઠ્યું હતું. મહિલાઓ સહિત કેટલાંક આરોપીઓની ધરપકડ થઈ હતી. ત્યારબાદ જો કે કોઈ નોંધપાત્ર બાબત બહાર આવી ન હતી, અને કેટલાંક આરોપીઓ તો જામીન પર મુક્ત પણ થઈ ગયેલાં. ખરેખર તો આ ગંભીર અને મોટું આર્થિક કૌભાંડ છે. અમદાવાદ અને ચેન્નાઈમાં પણ આ કંપનીએ છેતરપિંડીઓ કરી હતી. તેથી આ કંપનીની સમગ્ર તપાસમાં કેન્દ્રીય એજન્સી EDની એન્ટ્રી થઈ.
અમદાવાદથી પ્રગટ થયેલો અહેવાલ જણાવે છે કે, શરૂઆતમાં છેતરપિંડીનો આંકડો રૂ. 8.93 કરોડ જાહેર થયેલો. ત્યારબાદ તપાસ આગળ વધી તો જાણમાં આવ્યું કે, છેતરપિંડીઓ રૂ. 23 કરોડની થઈ છે. અને હજુ પણ આ આંકડો મોટો થશે કેમ કે, કૌભાંડી તત્ત્વોએ જુદાજુદા રાજયોમાં ધોખાઘડી આચરી છે.
EDના અમદાવાદ ખાતેના અધિકારીઓ જણાવે છે: આ કંપનીના માલિક ધવલ સોલાણી તથા તેના પરિવારજનોની સ્થાવર અને જંગમ મળી કુલ રૂ. 1.09 કરોડની સંપત્તિઓ હાલ કબજે લેવામાં આવી છે. આ કાર્યવાહીઓ PMLA હેઠળ કરવામાં આવી છે. ED વધુમાં જણાવે છે: ગુજરાત પોલીસે આ કંપની વિરુદ્ધ જામનગર અને રાજકોટ ખાતે ફરિયાદ દાખલ કરી છે તથા તામિલનાડુ પોલીસે ચેન્નાઈમાં ફરિયાદ દાખલ કરી છે. આ 3 ફરિયાદને આધાર બનાવીને EDએ સમગ્ર મામલામાં કાર્યવાહીઓ કરી છે.
ED એમ પણ કહે છે કે, આ કંપની- ધવલ સોલાણી તથા અન્ય આરોપીઓના જે સ્થળો છે ત્યાં બધી જ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. દરોડામાં એક વાહન, શંકાસ્પદ દસ્તાવેજો અને ડીમેટ એકાઉન્ટમાં જમા થયેલી રૂ. 50 લાખની રોકડ રકમ કબજે લેવામાં આવી છે. ED ઉમેરે છે: કંપનીએ રોકાણકારો પાસેથી જે નાણાં એકત્ર કરેલાં તે આરોપીઓએ અંગત ઉપયોગમાં ખર્ચ કર્યા. આ ઉપરાંત આ રકમ પૈકી અમુક રકમની હેરાફેરી વિદેશમાં પણ થઈ હોય ત્યાં વિદેશમાં પણ તપાસ ચાલુ છે.