Mysamachar.in-જામનગર:
એક સામાન્ય ઘર કે બંગલામાં દૈનિક જે સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરો નીકળતો હોય છે, તેના સલામત નિકાલ માટે ઘણીયે મહેનત કરવી પડતી હોય છે અને ઘર-બંગલાને સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થિતિઓમાં રાખવા ખર્ચ પણ કરવો પડતો હોય છે. આ જ ગણિત દરેક શહેરને પણ લાગુ પડતું હોય છે, કારણ કે શહેરોમાં દૈનિક સેંકડો ટન કચરો એકત્ર થતો હોય છે, તેથી તેનો સલામત નિકાલ એક મોટી જવાબદારી બની જતો હોય છે. જામનગર શહેર પણ આ સમસ્યા સામે લડી રહ્યું છે. કરદાતા નગરજનોની સુખાકારી માટે આ એક ફરજિયાત કસરત અને ટાળી ન શકાય એવો ખર્ચ છે. કચરાના આ કમઠાણને સમજવું જરૂરી છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર શહેરમાં દરરોજ આશરે 350 ટન જેટલો ઘન કચરો નીકળે છે. જેના નિકાલ માટે સ્વાભાવિક રીતે જ અસરકારક વ્યવસ્થાઓ અને મોટું તંત્ર નિભાવવું પડે છે. અને, આ બધી વ્યવસ્થાઓ માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે.
જામનગર શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેકશન અને કચરાપેટીઓમાં એકત્ર થતાં કચરાનો નિકાલ- આ બંને બાબતો પાછળ મહાનગરપાલિકાએ ભારે જહેમત ઉઠાવવી પડે છે. દરરોજ સેંકડો ટન કચરો નીકળતો હોય તેના નિકાલ પાછળ દર મહિને 3/4 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જાય. આથી આ ખર્ચ શક્ય એટલો ઘટાડવા જામનગર મહાનગરપાલિકાએ એક ખાનગી કંપનીને ગાંધીનગર વિસ્તાર નજીક જમીન આપી છે જ્યાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ છે, આ કંપનીને જામનગર મહાનગરપાલિકા દર મહિને રૂ. 2 કરોડનો ખર્ચ કરી, શહેરનો બધો ઘન કચરો એકત્ર કરીને આપે છે અને આ કંપની આ કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરી પોતાનો પ્લાન્ટ ચલાવવાનો ખર્ચ અને નફો મેળવે છે. જેને કારણે શહેર સ્વચ્છ રહી શકે. જો આમ કરવામાં ન આવે તો, રોજ 350 ટન કચરો નાંખવો ક્યાં ? એ સવાલ ઉભો થઈ શકે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાએ ભૂતકાળમાં રાજકોટ રોડ પર ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવેલું, જયાં કચરો એકત્ર કરવામાં આવતો. હાલમાં એ જૂના કચરામાંથી એક અન્ય ખાનગી કંપની ખાતર બનાવી રહી છે. અને, એ રીતે આ જૂના કચરાનો નિકાલ થઈ રહ્યો છે. જો કે હજુ આજની તારીખે આ ગ્રાઉન્ડ પર આશરે પચાસેક હજાર ટન જેટલો કચરો છે, જેનો ખાતર બનાવવા ઉપયોગ થઈ રહ્યો છે.
રાજ્યના અન્ય કેટલાંક શહેરોમાં ભીના અને સૂકા કચરાને અલગ તારવી પછી એનો જુદી જુદી રીતે નિકાલ કરવામાં આવે છે. જામનગરમાં ભીનો અને સૂકો બધો જ કચરો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટને પહોંચાડી દેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકાએ અગાઉ લોકોને ભીનો અને સૂકો કચરો અલગ રાખવા ડસ્ટબીન પણ આપેલાં. અને કચરાનું વહન કરતાં વાહનોમાં પણ ભીનો અને સૂકો કચરો અલગ રાખવા, બે વિભાગ પણ હોય છે. પરંતુ હાલ તો ભીનો અને સૂકો બધો જ કચરો પ્લાન્ટમાં પહોંચાડી- મહાનગરપાલિકા હાથ ખંખેરી નાંખે છે. મહાનગરપાલિકાની ફિલોસોફી એવી છે કે, ભવિષ્યમાં ભીના કચરાના નિકાલ માટે કોઈ ખાતર પ્લાન્ટ બનાવીએ તો, આ પ્લાન્ટને જરૂરિયાત પૂરતો ભીનો કચરો ઉપલબ્ધ થઈ શકે તે માટે નગરજનોને ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની ‘ટેવ’ પાડવા આ કસરત કરવામાં આવી રહી છે.
અહીં એ પણ યાદ કરી લ્યો કે, ઘનકચરાને વર્ગીકૃત કરવા માટે મહાનગરપાલિકાએ વ્હોરાના હજીરા નજીકના પુલના શહેર તરફના ડાબી બાજુના છેડા પર એક પ્લાન્ટ બનાવેલો અને એમ પણ જાહેર કરેલું કે, અહીં કચરો વર્ગીકૃત કરવાના કામમાં કચરો વીણતાં પરિવારોને રોજગારી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બધી વાતો નદીના પૂરમાં તણાઈ ગઈ છે, ઓલઓવર જૂઓ તો કચરાનું કમઠાણ એક ‘નિરાળો’ વિષય રહ્યો છે.(ફાઈલ તસ્વીર)
